રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 તરીકે નિમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ PM મોદીના કાર્યકાળના અંત સુધી જ ચાલશે. ડિસેમ્બર 2018માં તેઓ RBIના ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા અને 10 ડિસેમ્બર 2024એ તેમનો કાર્યકાળ પૂર્ણ થયો હતો. આ નવા પદે, શક્તિકાંત દાસ મુખ્ય સચિવ-1 પી. કે. મિશ્રા સાથે કામ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે નિમણૂંક સમિતિએ તેમની PM સચિવ-2 તરીકેની નિમણૂંકને મંજૂરી આપી છે.
IAS કરિયર અને પ્રભાવી ભૂમિકા
RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ મૂળ તમિલનાડુ કેડરના છે. 67 વર્ષીય શક્તિકાંત દાસ 1980ની બેચના IAS અધિકારી છે. તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની છે અને દિલ્હીના સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકારમાં અનેક મહત્વની જવાબદારીઓ સંભાળી છે, જેમાં આર્થિક મામલાના સચિવ, ફાઇનાન્સ સચિવ અને ખાતર સચિવ (Fertilizer Secretary) તરીકેની ભૂમિકાઓ શામેલ છે. તેમની આર્થિક નીતિઓમાંની વિશેષતા અને પ્રશાસનિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને, મોદી સરકાર દ્વારા તેમને આ મહત્વપૂર્ણ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે.
