આજે ‘શહીદ દિવસ’: ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે 23 માર્ચનો દિવસ ‘શહીદ દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના યુવાન સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશની આઝાદી માટે પોતાના જાનનું બલિદાન આપી દેનાર ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરની પુણ્યતિથિ હોઈ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 1928માં, સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપત રાયનું બ્રિટિશ પોલીસે કરેલા લાઠીમારમાં મૃત્યુ થતાં એનો બદલો લેવાનું ભગતસિંહે નક્કી કર્યું હતું. લાલા લજપત રાયે સાઈમન પંચ વિરુદ્ધ અહિંસક આંદોલન કર્યું હતું, પરંતુ એ વખતે જેમ્સ સ્કોટ નામના બ્રિટિશ પોલીસ અધિકારીએ લાઠીમારનો આદેશ આપ્યો હતો. એમાં ઈજાગ્રસ્ત થતાં લાલાજીનું મૃત્યુ નિપજ્યું હતું.

તે હત્યાનો બદલો લેવાનું અને જેમ્સ સ્કોટને મારી નાખવાનું ભગતસિંહ તથા એમના અન્ય બે સાથી રાજગુરુ અને સુખદેવે નક્કી કર્યું હતું. ભગતસિંહે સ્કોટને મારી નાખવાનું જાહેરમાં કહ્યું હતું. પરંતુ, ત્રણેય યુવાનોએ બ્રિટિશ પોલીસ અધિકારી જોન સોન્ડર્સને ભૂલમાં જેમ્સ સ્કોટ સમજી લીધા હતા અને એમને ગોળી મારી હતી. સોન્ડર્સનું મૃત્યુ થયું હતું. બ્રિટિશ સરકારે સોન્ડર્સની હત્યા કરવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ પર આરોપ મૂક્યો હતો. બાદમાં, 1929માં, ભગતસિંહ અને એમના સાથીઓએ દિલ્હીમાં સેન્ટ્રલ એસેમ્બ્લીમાં બે માત્ર અવાજ કરે અને ધૂમાડો ફેલાવો એવા બોમ્બ ફેંક્યા હતા અને ‘ઈન્કલાબ ઝિંદાબાદ’, ‘ક્રાંતિ અમર રહે’ નારા લગાવીને ધરપકડ વહોરી લીધી હતી.

1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસન દ્વારા બ્રિટિશરોના અંકુશવાળા ભારતના લાહોર શહેરની જેલમાં ફાંસી આપી હતી. સમગ્ર ભારતમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું હતું અને ત્યારથી દર વર્ષે 23 માર્ચે ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે.