બેન્કોએ લોનની સામે OTS હેઠળ રૂ. 61,000 કરોડની વસૂલાત કરી

નવી દિલ્હીઃ પાછલાં ચાર નાણાકીય વર્ષોમાં આશરે 11 બેન્કોએ વન-ટાઇમ સેટલમેન્ટ (OTS)ના માધ્યમથી આશરે રૂ. 61,000 કરોડની વસૂલાત કરી છે, એમ સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું. આ આંકડા પાછલાં ત્રણ નાણાકીય વર્ષો અને ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર 2021 સુધીના છે.

રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર બેન્કોની પાસે બોર્ડથી મંજૂર થયેલી લોન રિકવરી નીતિ છે, જે  હેઠળ ડિફોલ્ટ લોનધારક સાથે વાતચીત દ્વારા સેટલમેન્ટ કરવામાં આવ્યાં છે, જે હેઠળ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) લોન એકાઉન્ટ્સમાં વન-ટાઇમ સેટલમેન્ટ કરવામાં આવ્યાં હતાં અને વસૂલાત કરવામાં આવી હતી,એમ રાજ્ય કક્ષાના નાણાપ્રધાન ભગવત કરાડે લોકસભામાં કહ્યું હતું.

બધી રાષ્ટ્રીયકૃત બેન્કોના બોર્ડે મંજૂર કરેલી લોન રિકવરી નીતિને આધારે 11 રાષ્ટ્રીયકૃત બેન્કોમાં છેલ્લાં ત્રણ વર્ષોમાં 38,23,432 કેસોમાં  OTS હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.

આ 11 બેન્કોમાં પંજાબ નેશનલ બેન્કે સૌથી વધુ 8.87 લાખ, બેન્ક ઓફ ઇન્ડિયાએ 4.97 લાખ, બેન્ક ઓફ બરોડાએ 4.34 લાખ, ઇન્ડિયન બેન્કે 4.27 લાખ, કેનેરા બેન્કે 4.18 લાખ અને સેન્ટ્રલ બેન્કે 4.02 લાખ OTS કર્યાં હતાં. આ ઉપરાંત યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાએ 2.99 લાખ, યુકો બેન્ક 2.38 લાખ, ઇન્ડિયન ઓવરસીઝ બેન્કે 1.33 લાખ, બેન્ક ઓફ મહારાષ્ટ્રે 63,202 અને પંજાબ અને સિંધ બેન્કે 20,607 OTS કર્યાં હતાં.