સોનિપત (હરિયાણા) – હરિયાણવી ગાયિકા અને ડાન્સર સપના ચૌધરીએ આજે પત્રકાર પરિષદ બોલાવીને સ્પષ્ટતા કરી છે કે પોતે કોંગ્રેસમાં જોડાઈ નથી. આવું દર્શાવતા અહેવાલો ખોટા છે.
સપનાએ એમ પણ કહ્યું છે કે તે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર પણ કરવાની નથી અને રાજકારણમાં જોડાવાની એની કોઈ ઈચ્છા નથી.
સપનાએ કહ્યું કે, કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા સાથે એની ગઈ કાલે ઈન્ટરનેટ પર વાયરલ થયેલી તસવીર બહુ જૂની છે.
ગઈ કાલે એવી અફવા ઊડી હતી કે સપના ચૌધરીને કોંગ્રેસે સામેલ કરી છે અને મથુરામાં ભાજપનાં ઉમેદવાર તથા પીઢ અભિનેત્રી હેમા માલિની સામે સપનાને ઉમેદવાર તરીકે ઊભી રાખશે.
ગઈ કાલે એવા પણ અહેવાલ હતા કે લખનઉમાં, ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરનના નિવાસસ્થાને સપનાને વિધિસર રીતે કોંગ્રેસમાં સામેલ કરવામાં આવી છે.
સપના એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલી છે. એનાં પિતા એક ખાનગી કંપનીમાં કર્મચારી હતી. 2008માં એમનું નિધન થયું હતું. એ વખતે પરિવારની આર્થિક જવાબદારી સપનાનાં માથે આવી પડી હતી. એણે ડાન્સ અને ગાયકીના તેનાં શોખના માધ્યમથી પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. એણે ટીવી રિયાલિટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર ડાન્સનો પરફોર્મન્સ દ્વારા એ પૈસા કમાવા માંડી હતી અને જોતજોતામાં એ જાણીતી થઈ ગઈ હતી. હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં એનાં અસંખ્ય પ્રશંસકો છે. એને તાજેતરમાં અમુક ફિલ્મોમાં એક્ટિંગનું કામ પણ મળ્યું છે.