મુંબઈઃ મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનની તૈયારી જોર-શોરથી ચાલી રહી છે. ભાવિ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. બીજીબાજુ શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રએ દેશને એક નવું અજવાળુ બતાવ્યું છે. રાઉતે કહ્યું કે શિવસેનાનું સૂર્યયાન મંત્રાલયના છઠ્ઠા માળે લેન્ડ થઈ ગયું છે. મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.
સંજય રાઉતે કહ્યું કે, મેં કહ્યું હતું કે અમારું સૂર્યયાન મંત્રાલયના છઠ્ઠા માળે સેફલી લેન્ડ કરશે. ત્યારે બધા લોકો હસી રહ્યા હતા પરંતુ અમારા સૂર્યયાનનું સેફ લેન્ડિંગ થઈ ગયું. આવનારા સમયમાં આ સૂર્યયાન જો દિલ્હીમાં ઉતરે તો આપને આશ્ચર્ય નહી થાય. તેમણે કહ્યું કે અમારું મિશન હવે પૂર્ણ થઈ ગયું છે. શરુઆતના લોન્ચિંગમાં થોડી પ્રોબ્લમ્સ આવ્યા હતા. ત્યારે હું કહી રહ્યો હતો કે આખરે બધુ સારુ થશે અને અમારુ યાન સેફલી લેન્ડ થશે. તે સમયે મારા પર બધા હસી રહ્યા હતા, હવે હું એ લોકો પર હસી રહ્યો છું.
અજીત પવારના રોલ અંગે તેમણે કહયું હતું કે, તે મહત્વનું કામ કરીને આવ્યા છે અને ગઠબંધન સરકારમાં તેમની ભૂમિકા મહત્વની હશે.
સંજય રાઉતે કહ્યું કે હું ચાણક્ય નથી પરંતુ યોદ્ધા છું. સામનાને લઈને રાઉતે કહ્યું કે, સામના તો સામના જ રહેશે. હું સંપાદક છું, અને મારે તો સામના પર જ વધારે ધ્યાન આપવાનું છે.