સચિનનું સૌથી મોટું ‘સપનું’ આજે પૂરું થયું હતું

નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ મહાન ખેલાડી સચિન તેન્ડુલકરે દેશ માટે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. 16 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો પ્રારંભ કરનારા સચિન તેન્ડુલકરનું વર્ષ 2011 સુધી સૌથી મોટું સપનું પૂરું નહોતું થયું. આજના દિવસે વર્ષ 2011માં બીજી એપ્રિલે સચિનનું સપનું પૂરું થયું હતું.

વિશ્વ કપમાં 600થી વધુ રન બનાવ્યા

વર્ષ 1992માં સચિન તેન્ડુલકરે પહેલો વિશ્વ કપ રમ્યો હતો. ત્યાર બાદ એક વખત પણ ટીમ ઇન્ડિયા વિશ્વ કપની ફાઇનલમાં નહોતી પહોંચી, પણ 2003માં સચિન તેન્ડુલકરને પહેલી વિશ્વ કપની ફાઇનલમાં રમવાની તક મળી હતી. આ વર્લ્ડ કપમાં સચિન તેન્ડુલકરે 600થી વધુ રન બનાવ્યા હતા, પણ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે ટીમ ઇન્ડિયા હારી ગઈ હતી અને ફરી એક વાર સચિનનું સપનું તૂટી ગયું હતું.

સચિનનું સપનું પૂરું થયું

સતત ચાર વર્લ્ડ કપ રમી ચૂકેલા સચિન તેન્ડુલકરે વર્ષ 2007માં વિશ્વ કપમાં ભાગ લીધો હતો, પણ વેસ્ટ ઇન્ડિઝમાં થયેલા વર્લ્ડ કપની લીગ મેચમાં ટીમ ઇન્ડિયા બંગલાદેશથી હારીને વિશ્વ કપમાંથી ફેંકાઈ ગઈ હતી. આવામાં સચિને તેના સપનું પૂરું કરવા માટે વધુ રાહ જોવી પડે એમ હતું. ત્યાર બાદ 2011માં એ સોનેરી દિવસ આવ્યો હતો, જેમાં ટીમ ઇન્ડિયાએ 1983 પછી બીજો વર્લ્ડ કપ જીત્યો હતો અને આ ટીમમાં સચિન તેન્ડુલકર પણ હતો.

વર્ષ 2011માં એટલે કે બીજી એપ્રિલે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેન્ડુલકરનું સૌથી મોટું સપનું સાકાર થયું હતું. ટીમ ઇન્ડિયાને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વ વિજેતા બનાવી હતી. બીજી એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેન્ડુલકરની આંખોમાં આસુ હતાં અને ટીમના ખેલાડીઓ તેમને ખભે બેસાડીને સ્ટેડિયમમાં ફરી રહ્યા હતા. એ ઐતિહાસિક પળ હતી, કેમ કે છઠ્ઠા વિશ્વ કપ રમ્યા પછી સચિનના હાથમાં વર્લ્ડ કપની ટ્રોફી હતી.