નવી દિલ્હીઃ ચીનમાં કોરોનાના વિસ્ફોટની વચ્ચે સરકાર ભારતમાં પણ કોવિડ19ની સ્થિતિ પર સંપૂર્ણ સાવચેતી દાખવી રહી છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અમે એવિયેશન મંત્રાલયેથી વાત કરીને ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી આવનારા પેસેન્જરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે.
માંડવિયાએ જણાવ્યું હતું કે ભારતમાં આવ્યા પછી કોઈ પેસેન્જરનો કોરોના સંક્રમિત માલૂમ પડશે તો તેને ક્વોરોન્ટિન કરવાનો આદેશ કરવામાં આવશે. વળી, આ દેશોમાં આવનારા પેસેન્જરોને એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવશે. તેમણે ચીનમાં અને અન્ય દેશોમાં સતત વધતા કેસોને જોતાં કડક નિગરાનીનું આહવાન કર્યું હતું. તેમણે નિર્દેશ આપ્યો હતો કે હાલ જારી દેખરેખના ઉપાયો અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કડક દેખરેખ રાખવામાં આવશે.
આરોગ્ય મંત્રાલયે પહેલેથી જ સિવિલ એવિયેશન મંત્રાલયને કહ્યું હતું કે પ્રત્યેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સથી ભારત આવતા પ્રવાસીઓમાંથી બે ટકા એરપોર્ટ પર કોવિડની તપાસની ખાતરી કરે, જેથી દેશમાં કોરોના વાઇરસના કોઈ પણ નવા સ્વરૂપના જોખમને ઓછું કરી શકાય.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 201 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 1નાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.04 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,46,76,678 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી 5,30,691 લોકોનાં મોત થયાં છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.80 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
