સીવાનઃ બિહારના સીવાન જિલ્લામાં રાષ્ટ્રીય જનતા દળના પૂર્વ સાંસદ મહોમ્મદ શાહબુદ્દીનના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી જેનાથી અહીંયા હિંસક પ્રદર્શન શરુ થઈ ગયું. પોલીસ અધિક્ષક નવીનચંદ્ર ઝા દ્વારા માહિતી આપવામાં આવી કે મહોમ્મદ યુસૂફને પ્રતાપપુર ગામમાં ગોળી મારીને તેની હત્યા કરી દેવામાં આવી.
શાહબુદ્દીન અહીંયાનો જ નિવાસી છે. તેના ભત્રીજાની અજ્ઞાત બદમાશોએ ગોળી મારીને તેની હત્યા કરી નાંખી. હુમલાખોરોએ યુસૂફના હૃદયમાં ગોળી મારી અને તેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું. ઘટના બાદ શાહબુદ્દીનના સમર્થક ગ્રામજનોએ રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો અને કડક કાર્યવાહીની માગણી પણ કરી. શહાબુદ્દીન અત્યારે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે.
આપને જણાવી દઈએ કે ઘટનાના બે દિવસ પહેલા મુઝફ્ફરપુરના પત્રકાર રાજદેવ રંજન હત્યાકાંડ મામલે આરોપી પૂર્વ સાંસદ મહોમ્મદ શહાબુદ્દીન સહિત 6 લોકો વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા હતા. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં આરોપ સાબિત થયા બાદ હવે આ મામલે સત્ર-વિચારણની પ્રક્રિયા શરુ થવાનો રસ્તો સાફ થઈ ગયો છે. બે દિવસ પહેલા શાહબુદ્દીન પર આરોપ સાબિત થવાના કારણે અને તેના ભત્રીજા યુસૂફને ગોળી મારીને હત્યા કરી નાંખવાના કારણે આ વિસ્તારમાં તણાવનો માહોલ છે.