મોદી સરકારે શોધી લીધાં CBI ડાયરેક્ટર, ઋષિકુમાર શુક્લાની નિમણૂક,પરિચય…

નવી દિલ્હીઃ સીબીઆઈના નવા ડાયરેક્ટરના નામ પર આખરે મહોર લાગી ગઈ છે. પસંદગી સમિતિએ આઈપીએસ ઋષિકુમાર શુક્લાને સીબીઆઈના નવા ડાયરેક્ટર બનાવી દીધાં છે. પસંદગી સમિતિના સભ્ય અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારના રોજ આ સંકેત આપ્યાં હતાં.

નવા સીબીઆઈ પ્રમુખની નિમણૂક માટે શુક્રવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો નહોતો. બેઠકમાં પ્રધાન ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ સાથે ખડગે પણ જોડાયાં હતાં.

બેઠક બાદ ખડગેએ જણાવ્યું હતું કે શનિવારે પસંદગી સમિતિની બેઠક થાય કે ન થાય પરંતુ સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ પર નિર્ણય આવી જશે. આ પહેલાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ખડગેએ બેઠકમાં કેટલાક નામો પર આપત્તિ વ્યક્ત કરી હતી.

આ પદની રેસમાં વરિષ્ઠ આઈપીએસ અધિકારી જાવેદ અહમદ, રજનીકાંત મિશ્ર, એસએસ દેસવાલ અને શિવાનંદ ઝા પણ સમાવિષ્ટ હતા.

શુક્લા મૂળ મધ્યપ્રદેશનના ગ્વાલિયરના રહેવાસી છે. ઋષિકુમાર શુક્લાને મહેનતી, ઈમાનદાર અને સ્વચ્છ છબિના ઓફિસર માનવામાં આવે છે. બીકોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ 1983માં તેઓ ભારતીય પોલીસ સેવામાં આવ્યાં હતાં. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ 2020 સુધી છે. તેમનો જન્મ 23 ઓગસ્ટ 1960માં થયો હતો.

પ્રશિક્ષણ બાદ શુક્લાને પ્રથમ પદ 1985માં સીએસપી રાયપુર તરીકે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને શિવપુરીના એએસપી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1987માં તેમને જિલ્લાનો કાર્યભાર સોંપાયો હતો. એસપી તરીકે તેમને દામોહ જિલ્લામાં મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ એસપી શિવપુરી, એસપી મંદસૌર અને એસપી પીટીએસ ઈંદોર રહી ચૂક્યાં છે.

વર્ષ 1992 થી 1996 સુધી કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર હતા. ત્યારબાદ તેમને એઆઈજી પ્રશાસન અને ડીઆઈજી સુરક્ષાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. વર્ષ 2004માં તેઓ એકવાર ફરીથી પ્રતિનિયુક્તિમાં ગયાં હતાં અને 2007માં પાછાં આવ્યાં હતાં. પ્રતિનિયુક્તિ દરમિયાન તેઓ સીબીઆઈમાં પદસ્થ હતાં.

તેમનું પોસ્ટિંગ ભોપાલમાં સીબીઆઈના આઈજી તરીકે હતું. મધ્યપ્રદેશમાં પાછાં આવ્યાં બાદ આઈજી એસએએફ ભોપાલ, આઈજી સુરક્ષા અને આઈજી એસટીએફના પદ પર તેઓ રહી ચૂક્યાં છે. ત્યારબાદ એડીજી રેલ, એડીજી ઈન્ટેલિજન્સ, એડીજી એસએએફ, ડીજી હોમગાર્ડ, અને અધ્યક્ષ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના પદ પર રહ્યાં છે. વર્ષ 2009 થી 2012 સુધી તેઓ એડીજી ઈન્ટેલિજન્સના પદ પર રહ્યાં છે.