નવી દિલ્હી- 2019ની લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી શરુ કરી દીધી છે. મળતી માહિતી મુજબ ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાઈને દિલ્હીની કોઈ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. આ યાદીમાં વધુ એક ખેલાડીનું નામ જોડાઈ રહ્યું છે તે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું છે.મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી મહેન્દ્રસિંહ ધોનીના સંપર્કમાં છે અને તેમને ઝારખંડમાંથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. સૂત્રોનું માનીએ તો ભાજપ આ બન્ને ખેલાડીઓની લોકપ્રિયતાનો લાભ લેવા માગે છે.
મહત્વનું છે કે, આ બન્ને ખેલાડીઓનું ક્રિકેટમાં અસાધારણ યોગદાન રહ્યું છે. આ ઉપરાંત સમાજના દરેક વર્ગમાં બન્ને ખોલાડીઓની સારી એવી લોકપ્રિયતા છે. ઉપરાંત ગૌતમ ગંભીર ક્રિકેટ સિવાય સામાજિક કાર્યોમાં પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યો છે. જેને ભાજપ તેને ટિકિટ આપે તો નવાઈ નહીં લાગે.
અહેવાલ મુજબ ભાજપ નવી દિલ્હીની લોકસભા બેઠક પરથી મિનાક્ષી લેખીના બદલે ગૌતમ ગંભીરને ટિકિટ આપી શકે છે. પક્ષને જે માહિતી મળી છે તે મુજબ મિનાક્ષી લેખીના કામથી તેમના સંસદીય વિસ્તારના લોકો ખુશ નથી.
મહેન્દ્રસિંહ ધોની પોતાની કેપ્ટનશીપમાં ભારતને ટી-20 અને વર્ષ 2011નો વિશ્વકપ જીતાવી ચૂક્યો છે. ગૌતમ ગંભીર હાલમાં દિલ્હીની ટીમ તરફથી રમી રહ્યો છે. તાજેતરમાં જ વિજયહઝારે ટુર્નામેન્ટમાં ગંભીરે દિલ્હીની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી છે.