નવી દીલ્હી: દેશમાં રિટેલ મોંઘવારીના મોરચે રાહત મળી છે. ફેબ્રુઆરી 2025માં રિટેલ મોંઘવારી ઘટીને 3.61% પર નોંધાય છે. ઉલ્લેખનીય છે કે આ મહિને રિટેલ મોંઘવારી સતત સાત મહિનામાં સૌથી નીચેની સપાટી પર નોંધાઈ હતી. શાકભાજી અને ફળોની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડાને કારણે આ મહિને મોંઘવારી મોર્ચે રાહત મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ત્રીજી વખત રિટેલ ફુગાવો 4% થી નીચે આવ્યો છે. આ દર અર્થશાસ્ત્રીઓના અંદાજ 3.8% કરતાં પણ ઓછો છે.
ફેબ્રુઆરીમાં 3.61% નો દર નોંધાતા રિટેલ ફુગાવો ઓગસ્ટ 2024 બાદ સૌથી નીચલા સ્તરે છે. ઓગસ્ટમાં આ દર 3.65% હતો, ત્યારબાદ તે સતત 4-6% ની રેન્જમાં રહ્યો હતો. જાન્યુઆરીમાં ફુગાવો 4.31% હતો. શાકભાજી, ફળો અને પ્રોટીનયુક્ત પદાર્થોના ભાવમાં ઘટાડો થવાના કારણે ફેબ્રુઆરીમાં મોંઘવારી ઘટી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની નીતિ અનુસાર, રિટેલ ફુગાવો 4% (+/-2%) ની શ્રેણીમાં રાખવાનો લક્ષ્ય છે, જે સફળતાપૂર્વક જળવાઈ રહ્યો છે. આ સ્થિરતાને ધ્યાનમાં રાખીને, 9 માર્ચે યોજાનારી મોનેટરી પોલિસી બેઠકમાં RBI વ્યાજના દરોમાં ઘટાડો કરી શકે છે. અગાઉ, ગયા મહિને RBI એ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. 2022થી ફેબ્રુઆરી 2023 સુધી, RBI એ વ્યાજના દરોમાં 2.50% નો વધારો કર્યો હતો.
દેશની ઔદ્યોગિક ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2025માં ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ (IIP) 5% વધ્યો, જે ડિસેમ્બર 2024માં 3.2% હતો. માઈનિંગ સેક્ટરમાં 4.4% વૃદ્ધિ, મેન્યુફેક્ચરિંગમાં 5.5% અને વીજ ઉત્પાદન 2.4% વધ્યું છે.
ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. શાકભાજી, ફળો, કઠોળ અને ડેરી ઉત્પાદનોના ભાવ ઘટતા ખાદ્ય ફુગાવો 3.75% પર આવી ગયો, જે જાન્યુઆરીમાં 5.97% હતો. ગ્રામીણ વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો 4.06% અને શહેરી વિસ્તારોમાં 3.20% નોંધાયો. જો કે, એકંદરે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી જાન્યુઆરીમાં 4.59% હતી જે ફેબ્રુઆરીમાં ઘટીને 3.79% થઈ છે, જ્યારે શહેરી વિસ્તારોમાં 3.87% થી ઘટીને 3.32% થઈ છે.
