નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં જનતાએ ભાજપ પર ભરોસો મુક્યો છે. જે બાદ ગઈ કાલે દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાની જાહેરાત કરવામાં આવી હતી. આજે રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપત ગ્રહણ કર્યા છે. ઉલ્લેખનીય છે કે શાલીમાર બાગ બેઠકથી જીતીને આવેલા રેખા ગુપ્તાએ દિલ્હીની રેસમાં બાજી મારી લીધી છે. રેખા ગુપ્તા આજે એટલે કે 20 ફેબ્રુઆરીએ 12 વાગ્યે દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
મુખ્યમંત્રી માટે તેમના નામની જાહેરાત થતાં જ રેખા ગુપ્તાની જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. જેમાં તેમણે AAPના સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. જો કે હવે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે. પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે. વર્ષ 2016 અને 2019માં કરવામાં આવેલી રેખા ગુપ્તાની કેટલીક X પોસ્ટ હવે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ્સમાં તેમણે અરવિંદ કેજરીવાલ પર અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અંગત પ્રહારો કર્યા હતા. 14 માર્ચ, 2019ના રોજ મનોજ તિવારીની એક પોસ્ટને રિપોસ્ટ કરતા, રેખા ગુપ્તાએ લખ્યું, ‘દિલ્હી તારા બાપની નથી કે તું અહીં મુખ્યમંત્રી બનીને વાહિયાત વાતો કરે છે. દિલ્હી જનતાની છે.’ આ ઉપરાંત રેખા ગુપ્તાની 4 ઓકટોબર 2016ની પણ એક પોસ્ટ ખૂબ વાયરલ થઇ રહી છે. જેમાં તેમણે કેજરીવાલના જન્મદિવસ ઉજવવા પે ખૂબ જ વ્યક્તિગત ટિપ્પણી કરી હતી. રેખા ગુપ્તાની X પ્રોફાઇલમાંથી હાલ આ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સ તેની પોસ્ટના સ્ક્રીનશોટ બનાવીને વાયરલ કરી રહ્યા છે. AAP નેતા અને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય વિનય મિશ્રાએ આ પોસ્ટ્સને લઈને રેખા ગુપ્તા પર નિશાન સાધતા લખ્યું હતું કે, ‘દિલ્હીના નવા મુખ્યમંત્રીને મળો… મેડમ, આ છે તેમની પાર્ટીએ આપેલા સંસ્કાર અને ક્ષમતા. આ વિશ્વની સૌથી મોટી લોકશાહીની રાજધાનીના મુખ્યમંત્રીની ભાષા છે.’
