નવી દિલ્હીઃ તમે જો રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ વારંવાર કરો છો તો તમારા માટે માઠા સમાચાર છે, કેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રચાયેલી સમિતિએ દેશભરમાં ઓટોમેટેડ ટેલર મશીન્સ (ATM) પર કરવામાં આવતા તમામ વ્યવહારો માટે ઇન્ટર-ચેન્જ ચાર્જિસ વધારવાની ભલામણ કરી છે, એમ મનીલાઇફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ સમિતિએ ઉપાડની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ રૂ. 5000 સુધી મર્યાદિત રાખવાની છે અને જોકોઈ વ્યક્તિ એના કરતાં વધુ મોટી રકમ ઉપાડવા માગતી હોય તો એના પર ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે.
RTI હેઠળ અરજી
મનીલાઇફ અનુસાર સમિતિનો અહેવાલ સાર્વજનિક નથી, પણ શ્રીકાંત એલ નામના હૈદરાબાદ સ્થિત એક ટેક્નોલોજી નિષ્ણાત દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI) હેઠળ રિપોર્ટ આપવા માટે અરજી કરવામાં આવી હતી.
સમિતિએ ભલામણો કરી
પાછલા વર્ષે નિયુક્ત કરવામાં આવેલી સમિતિએ ATM ઇન્ટર ચેન્જ ફીના માળખાની સમીક્ષા કરી હતી અને મધ્યસ્થ બેન્કને એની ભલામણો મોકલી આપી હતી, જોકે એ જાણવા નથી મળ્યું કે રિઝર્વ બેન્કે એ ભલામણોનો સ્વીકાર કર્યો છે કે નહીં.
ATM પર નાણાકીય વ્યવહારો પર ચાર્જીસ
અહેવાલ મુજબ સમિતિએ એક લાખ અને એનાથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં ATMમાં નાણાકીય વ્યવહારો પર 16 ટકા અથવા રૂ. બેથી રૂ. 17નો ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે અને બિનનાણાકીય વ્યવવહારો પર રૂ. પાંચથી વધારીને રૂ. સાતનો ચાર્જ વસૂલવા ભલામણ કરી છે.
10 લાખથી ઓછી વસતિ ધરાવતાં કેન્દ્રો (નગરો)માં ATMના ઉપયોગ પર 24 ટકા ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે. બેન્કની બ્રાન્ચમાંથી થતી લેવડદેવડના વ્યવહારોની તુલનામાં ATMના ખર્ચ વધુ થાય છે, એવું સમિતિનું અવલોકન છે.
લોકો ATMની સુવિધા વધુ ઉપયોગ કરે છે
દરેક જગ્યાએઓ ATMની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે પ્રતિ ગ્રાહક ATMથી ઉપાડની લેવડદેવડની સંખ્યા બેન્કની બ્રાન્ચમાંથી થકી રોકડ ઉપાડની તુલનામાં ઘણી વધુ છે. એટલે શાખાની લેવડદેવડની સાથે ATMની લેવડદેવડના ખર્ચની તુલના યોગ્ય નથી, એમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.