નવી દિલ્હી- રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ ગઈ. જેમાં NDAના હરિવંશ નારાયણ સિંહ ઉપસભાપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. હરિવંશ નારાયણ સિંહના પક્ષમાં 125 મત પડ્યાં જ્યારે UPAના ઉમેદવાર બી.કે. હરિપ્રસાદને 105 મત મળ્યાં હતા.ચૂંટણી બાદ જ્યારે મત ગણતરી પુરી થઈ અને રાજ્યસભાના ચેરમેન તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ હરિવંશ નારાયણ સિંહની જીતની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિવંશની બેઠક પર જઈને તેમને અભિનંદન પાઠવ્યાં હતા. વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે પણ હરિવંશ સિંહને જીતની શુભેચ્છા પાઠવી હતી અને સાથે કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા ચૂંટાયેલા ઉપસભાપતિ હરિવંશને અભિનંદન પાઠવ્યા હતા. ઓગસ્ટ ક્રાંતિનો ઉલ્લેખ કરતાં પીએમ મોદીએ કહ્યું કે, તેમાં બલિયાની ભૂમિકા ખૂબ અગત્યની હતી. મંગલ પાંડેથી લઈને ચંદ્રશેખર સુધીની પરંપરામાં હવે એક નવું નામ હરિવંશનું જોડાયું છે. હરિવંશનો અભ્યાસ બનારસમાં થયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં જીતથી ભાજપને બેવડો ફાયદો થયો છે. કારણકે, રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાજપના છે અને હવે ડેપ્યુટી ચેરમેન પણ ભાજપના બન્યા છે.