જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સમય પૂરો થઈ ગયો છે. આ વખતે ચૂંટણી મોસમમાં કોંગ્રેસે 27 મહિલા ઉમેદવારને ટિકિટ આપી છે. જ્યારે ભાજપે મુખ્યમંત્રી વસુંધરા રાજે સહિત 23 મહિલાઓને ટિકિટ ફાળવી છે. રાજ્યમાં વિધાનસભાની 200 સીટ છે અને અહીંયા 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે.
22 નવેમ્બર સુધીમાં ઉમેદવારોના નામ પરત ખેંચી શકાશે, હાલ સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ બંન્નેમાં પક્ષોમાં બળવાખોરોને મનાવવા અને ડેમેજ કન્ટ્રોલનો સિલસિલો તેજ બન્યો છે. સૌથી વધુ બળવાખોરો ભાજપમાં છે. વસુંધરા સરકારના ડઝન ડેટલા પ્રધાનો અને ધારસભ્યોએ બળવો કરીને ભાજપ સામે મોર્ચો ખોલ્યો છે. વસુધરા સરકારમાં પ્રધાન રહેલા સુરેન્દ્ર ગોયલ, રાજકુમાર રિણવા, હેમસિંહ ભડાના, ધનસિંહ રાવત, ઓમપ્રકાશ હુડલા, દેવેન્દ્ર કટારા ઉપરાંત જ્ઞાનદેવ આહૂજા, ડીડી કુમાવત, નવનીત લાલ નિનામા, દેવી સિંહ શેખાવત, વગેરેએ ભાજપ વિરુદ્ધ ન તો માત્ર બળવો કર્યો છે, પરંતુ ભાજપ માટે માથાનો દુખાવો બની ગયા છે. તુલનાત્મક રીતે જોઈએ તો કોંગ્રેસમાં ભાજપની સરખામણીએ ઓછા બળવાખોર છે. ભાજપના આ બળવાખોરોને મનાવવા કેન્દ્રીય સ્તરના 14 નેતા રાજસ્થાન પહોંચી ગયા છે.
રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે, જે રાજકીય દળમાં સૌથી વધુ બળવાખોર હશે, તે દળને આગામી ચૂંટણીમાં એટલું જ વધુ નુકસાન વેઠવું પડશે.કોંગ્રેસના જૂથમાં બળવો કરનારાની યાદીમાં તારાગનગરથી સીએસ વૈદ, મહાદેવ સિંહ ખંડેલા, દીપચંદ્ર ખેરિયા, બાબુલાલ નાગર અને વિક્રમ સિંહ શેખાવતનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં 200 વિધાનસભા બેઠકો માટે 7 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણીનું પરિણામ 11 ડિસેમ્બરે આવશે.
બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ અશોક ગેહલોતે મંગળવારે કહ્યું કે, ત્રણ દિવસની અંદર એટલે કે ઉમેદવારોના નામ પરત ખેચવાની પહેલા તે બળવાખોર ધારાસભ્યોને મનાવી લેશે. જોકે, ઘણા બળવાખોર પ્રધાનોએ સખ્ત તેવર દર્શાવતા સમજૂતી કરવાથી ઈન્કાર કરી દીધો છે. તો કેટલાકનું કહેવું છે કે, કોઈ તેમને મનાવવા આવ્યું જ નથી. બળવાખોર ધારસભ્યો માંથી કેટલાકે ભારત વાહિની અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીનો સહારો લીધો છે.