જમ્મુ-કશ્મીરમાં ગવર્નર સત્યપાલ મલિકે વિધાનસભાનું વિસર્જન કરી નાખ્યું

શ્રીનગર – જમ્મુ અને કશ્મીર રાજ્યમાં સરકાર રચવા માટે રાજકીય પક્ષો દ્વારા વિરોધાભાસી દાવા કરાતાં રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભાનું વિસર્જન કરી નાખ્યું છે. જમ્મુ એન્ડ કશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના નેતા સજાદ લોન અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મેહબૂબા મુફ્તીએ રાજ્યમાં સરકાર રચવા માટે દાવો કરતાં વિધાનસભાનું વિસર્જન કરી નાખવાનો રાજ્યપાલે નિર્ણય લીધો હતો. આ સાથે જ રાજ્યમાં નવેસરથી ચૂંટણી યોજવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે.

સજાદ લોને એવો દાવો કર્યો હતો કે એમને ભારતીય જનતા પાર્ટીના 26 તથા અન્ય 18 વિધાનસભ્યોનો ટેકો છે. જેથી કુલ આંકડો 44 થઈ બહુમતીના આંકને પાર કરી જાય છે.

બીજી બાજુ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં નેતા મેહબૂબા મુફ્તીએ કહ્યું હતું કે એમને કોંગ્રેસ તથા નેશનલ કોન્ફરન્સનો ટેકો છે. એમની પાસે સહિયારું 56 જણનું સંખ્યાબળ છે.

મેહબૂબાએ ટ્વીટ કર્યું હતું કે પોતે હાલ જમ્મુમાં ન હોવાથી ગવર્નર સત્યપાલ મલિકને પત્ર મોકલવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ટૂંક સમયમાં જ પોતે રાજ્યમાં સરકારની રચના કરવા માટે ગવર્નરને મળશે.

મેહબૂબાએ ટ્વિટર પર એ પત્રની તસવીર પોસ્ટ કરી હતી. એમાં વંચાય છે કે રાજ્ય વિધાનસભામાં પીડીપી સૌથી મોટી પાર્ટી છે. એની પાસે 29નું સંખ્યાબાળ છે. એને કોંગ્રેસના 15 તથા નેશનલ કોન્ફરન્સના 12 વિધાનસભ્યોનો ટેકો મળશે એટલે સહિયારો આંક 56 થશે.

દરમિયાન, ભાજપનાં એક નેતાએ કહ્યું છે કે ભેગાં થવાનો આ પાર્ટીઓનો પ્રયાસ હતાશાભર્યો છે. તેઓ એમાં સફળ નહીં થાય.

ઉલ્લેખનીય છે કે, ભાજપે ગયા જૂનમાં ગઠબંધનમાંથી પીડીપીને પડતી મૂકી હતી અને મેહબૂબાને મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પાડી હતી.

હાલ વિસર્જિત રાજ્ય વિધાનસભામાં ભાજપનાં 26 સભ્યો છે. જ્યારે સજાદ લોનની પાર્ટીનાં માત્ર બે જ વિધાનસભ્ય છે.

રાજ્યમાં છ મહિનામાં ચૂંટણી યોજવી પડશે. રાજ્યમાં ગવર્નરનું શાસન આવતા મહિને પૂરું થાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિનું શાસન લાગુ થશે.