બાંસવાડા- આની કિંમત કેટલી છે? પન્નૂના કાનમાં આજે પણ આ શબ્દો ગૂંજે છે. 12 વર્ષના પન્નૂની કીમત એક વર્ષ માટે 30 હજાર બોલાઈ હતી. પિતાએ વચેટિયાને તેમનો છોકરો સોંપી દીધો. પન્નૂને જાણ ન હતી કે, તેને કયાં લઈ જવામાં આવી રહ્યો છે. તે કદી પરત આવી શકશે કે નહીં? પન્નૂની સાથે જ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગામડાંઓમાંથી તેમની જ ઉંમરના કેટલાલ અન્ય બાળકો પણ આ રીતે રાતોરાત ગાયબ થઈ ગયાં. અને ફરી કદી જોવા મળ્યાં નહતાં. પન્નૂને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગાડરિયા (બકરી પાલન કરનાર)ની સાથે મોકલી દેવામાં આવ્યો, જ્યાં તે ત્રણ વર્ષ સુધી મજૂરી કરતો રહ્યો. તે ખોરાક અને ઊંઘ વગર અનેક રાતો વિતાવી ત્યારબાદ તેને અહીંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો.
અતિ ગરીબીએ રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાં ખાસકરીને પ્રતાપગઢ અને બાંસવાડા જિલ્લાના રહેવાસીઓને તેમના બાળકોને બાળ મંજૂરી માટે મોકલવા મજબૂર કરી દીધા છે. આ લોકોને આનાથી દર મહિને લગભગ બે હજાર રૂપિયા મળે છે. ચટ્ટાની પરિદ્રશ્ય વાળા આ વિસ્તારમાં કૃષિ લગભગ શૂન્ય છે. અહીં માત્ર મકાઈનો એક જ પાક છે. ચુન્દઈ અને હમીરપુર જેવા ગામડાના લોકોએ આજ દિન સુધી વીજળી નથી જોઈ, આ ઉપરાંત નજીકની હોસ્પિટલ અને સ્કૂલ પણ માઈલો દૂર છે. સાક્ષરતા નહિવત્ત છે. પ્રતાપગઢ જિલ્લામાં બેહ-થેનસ્લા ગામમાં એક પણ વ્યક્તિએ 10 ધોરણથી વધુ અભ્યાસ નથી કર્યો.
ગામમાં નથી મળતુ કામ
અહીંના લોકોએ જણાવ્યું કે, પહેલા તેમને મનરેગા (MGNREGA) હેઠળ રોજગારી મળી રહી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ યોજના હેઠળ એક પણ કામને મંજૂરી નથી આપવામાં આવી, જેથી આ લોકોને કામ નથી મળી રહ્યું. આવકનો કોઈ પણ સ્ત્રોત નહીં હોવાને કારણે કેટલાક પરિવારો નાની ઉંમરના બાળકોને અન્ય જગ્યાઓ પર મજૂરીકામે મોકલવા મજબૂર થયાં છે.
છેલ્લા 30 દિવસમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ બાંસવાડામાં બાળ કલ્યાણ સમિતિના સભ્યોએ પન્નૂ ઉપરાંત બે અન્ય બાળ શ્રમિકોને બચાવ્યા છે. આઠ વર્ષિય રોહિતને જૂનમાં મધ્યપ્રદેશના ધારથી રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ રોહિતને બાંસવાડાને કેર હોમમાં રાખવામાં આવ્યો હતો. નજીકના પ્રતાપગઢ જિલ્લામાં પણ બે બાળ શ્રમિકોને હાલમાં જ એક નોન-સરકારી સંગઠન, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા દ્વારા બચાવવામાં આવ્યા હતાં.
રાજસ્થાન રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની એક ટીમે પ્રભાવિત જિલ્લાનું સર્વેક્ષણ કર્યું. ટીમના એક સભ્ય વિજેન્દ્ર સિંહે જણાવ્યું કે, તેમને બાળકોના ગેરકાયદે વેપાર કરનારા વચેટિયાના નેટવર્કની જાણકારી મળી છે. 8 લાખથી વધુ બાળ મજૂરો સાથે રાજસ્થાન ત્રીજા ક્રમ પર છે, ઉત્તરપ્રદેશમાં 20 લાખ બાળકો અને બિહારમાં 10 લાખ બાળકો મજૂરી કામે લાગ્યા છે. આ મહિનાની શરુઆતમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર રાજ્યપ્રધાન સંતોષ કુમાર ગંગવારે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષોમાં 3 લાખથી વધુ બાળ મજૂરોને બચાવાયા છે.
જોકે, બાળકોને મજૂરી કામમાંથી છોડાવ્યા બાદ પણ મુશ્કેલીઓ અહીં પૂર્ણ નથી થતી. ચુન્દઈ ગામમાં પન્નૂની માતાએ તેને ઘરમાં આવવાની મનાઈ કરી દીધી છે. તેમણે કહ્યું કે, તે અહીં શુ કરશે? અધિકારીઓએ પન્નૂને એક આશ્રય ગૃહમાં રાખ્યો છે.
બાળ શ્રમના કેટલાક પીડિત લાંબા સમય સુધી ગેરવર્તન અને શોષણને કારણે ચિંતા અને અનિદ્રા જેવા આઘાત વિકારોથી પીડિત થઈ જાય છે. બેહ-થેન્સલા ગામમાં જાડીઓને પાછળ એક છોકરો મળી આવ્યો જે તેમના ઘરથી થોડાક અંતર દૂર હતો. આ છોકરાને ઈન્દોરથી બચાવાયો હતો અને ગત મહિને ચાઈલ્ડલાઈન દ્વારા ઘરે લવાયો હતો. તેમની માતાએ જણાવ્યું કે, બબલૂ જ્યારે પણ કોઈ વ્યક્તિને ઘરની નજીક આવતા જૂએ તો તે ખેતરો તરફ ભાગી જાય છે.