નવી દિલ્હીઃ વકીલ અને પોલીસ વચ્ચેનો ટકરાવ હવે દિલ્હી બહાર પણ દેખાઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અલવરની જિલ્લા કોર્ટમાં હરિયાણા પોલીસના એક જવાનને વકીલો દ્વારા માર માર્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર બુધવારના રોજ અલવર જિલ્લા કોર્ટના વકીલોએ અંડર-ટ્રાયલ ચાલી રહેલા હરિયાણા પોલીસના એક જવાનને માર માર્યો હતો. ત્યારબાદથી કોર્ટ પરિસરમાં ધમાલ મચી ગઈ હતી. જોત જોતામાં પરિસરમાં પોલીસ દળને તેનાત કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અત્યારે કોર્ટ પરિસરમાં તણાવનો માહોલ છે, પરંતુ સ્થિતીને કંટ્રોલમાં લઈ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ દિલ્હી પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કર્યા બાદ વકીલોએ પટિયાલા કોર્ટ, રોહિણી કોર્ટ અને તીસ હજારી કોર્ટમાં હડતાળ પ્રદર્શન શરુ કરી દીધા હતા. આ દરમિયાન દિલ્હીની સ્થાનીય કોર્ટમાં સામાન્ય ઝડપના સમાચારો સામે આવ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન એક વકીલે મીડિયા સાથે વાતચિત કરતા કહ્યું કે, અમારી લડાઈ માત્ર એ પોલીસ કર્મચારીઓ સાથે છે કે જેમણે ગોળી ચલાવી અને અમારા પર લાઠી ચાર્જ કર્યો. વકીલોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ જ રહેશે.