કોંગ્રેસમુક્ત બન્યું નહેરુ મેમોરિયલઃ પાંચ ગુજરાતીઓનો દબદબો હશે

નવી દિલ્હીઃ સંસ્કૃતિ મંત્રાલયે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (એનએમએમએલ) સોસાયટીનું પુનર્ગઠન કર્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, કરણ સિંહ અને જયરામ રમેશ હવે નેહરુ મ્યુઝિયમ સોસાયટીનો ભાગ રહ્યાં નથી. 

સંસ્કૃતિ મંત્રાલયે એનએમએમએલના પુનર્ગઠન સાથે નહેરુ મ્યુઝિયમ સોસાયટીના કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, કરણ સિંહ અને જયરામ રમેશને બહાર કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસ નેતાઓની જગ્યાએ ભાજપ નેતા અનિર્બન ગાંગૂલી, ગીતકાર પ્રસૂન જોશી અને પત્રકાર રજત શર્માને સ્થાન મળ્યું છે. આ સોસાયટી અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે.

દેશના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુની યાદમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. આ સોસાયટીના ઉપાધ્યક્ષ પ્રેસિડેન્ટ રાજનાથસિંઘ છે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ, નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને પર્યાવરણમંત્રી પ્રકાશ જાવડેકર સભ્યો છે.

નહેરુ મેમોરિયલમાંથી કોંગ્રેસના સભ્યોને બહાર કાઢવાના મુદ્દે ભારે બબાલ સર્જાઈ શકે તેમ છે. રાજનીતિ અને ભારતમાંથી ભાજપ ભલે કોંગ્રેસમુક્ત ન કરી શકી હોય પરંતુ કોંગ્રેસના સૌથી મોટા નેતાઓમાંના એક પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વારસામાંથી ભાજપે કોંગ્રેસને મુક્ત કરી જ દીધી છે.

ગઈકાલે બહાર પાડવામાં આવેલા જાહેરનામા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે આ મુદ્દે ઉગ્ર રાજકારણ થઈ શકે છે. ભાજપ વિવિધ મુદ્દાઓ પર નહેરુ અને તેમના વારસો પર સતત સવાલ ઉભો કરતો રહ્યો છે અને શાબ્દિક હુમલા કરતો રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવી યાદીમાં હવે ગુજરાતીઓનો દબદબો વધ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતસ્થિત કિશોર મકવાણા, કમલેશ જોષીપુરા અને ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીનો પણ એમાં સમાવેશ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]