ટિકિટ કેન્સલ થકી રેલવેની કમાણી રૂ. 1230 કરોડ

નવી દિલ્હીઃ ક્યારેક-ક્યારેક આપણે જલદીમાં હોઈએ છીએ, ત્યારે યાત્રા માટે ટ્રેનમાં વેટિંગ ટિકિટ લઈ લઈએ છીએ, પણ ક્યારે-ક્યારેક વેટિંગ વધુ હોવાથી આપણી ટિકિટ કન્ફર્મ નથી થતી, ત્યારે ટિકિટ કેન્સલ પણ કરાવવી પડે છે. વેટિંગ લિસ્ટની કેન્સલ થતી ટિકિટોથી પણ રેલવેને નોંધપાત્ર કમાણી થાય છે. શું તમને માલૂમ છે કે માત્ર દિવાળી પર કેન્સલ ટિકિટથી રેલવેએ કેટલા કરોડની કમાણી કરી?

મધ્ય પ્રદેશ સ્થિત RTI એક્ટિવિસ્ટ વિવેક પાંડેએ રેલવેને અરજી દાખલ કરી હતી. RTIના જવાબમાં ઘણી વાતો સામે આવી.

ભારતીય રેલવેએ વેટિંગ લિસ્ટની કેન્સલ્ડ ટિકિટોથી થયેલી કમાણીની માહિતી આપી હતી. RTIથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેને વર્ષ 2021, 2022 અને 2023ના વેટિંગ લિસ્ટની કેન્સલ્ડ ટિકિટોથી કુલ રૂ. 1229.85 કરોડની કમાણી કરી હતી. આ સિવાય વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં કુલ રૂ. 45.86 લાખ કેન્સલ્ડ ટિકિટોથી રેલવેને રૂ. 43 કરોડની આવક થઈ છે.

વર્ષ 2021માં વેટિંગ લિસ્ટની કુલ 2.53 કરોડ ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી, જેનાથી રેલવેને કુલ રૂ. 242.68 કરોડની કમાણી થઈ, જ્યારે વર્ષ 2022 અને 2023માં ક્રમશઃ 4.6 કરોડ અને 5.26 કરોડ ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી, જેનાથી રેલવેને બંને વર્ષોમાં રૂ. 439.16 કરોડ અને રૂ. 505 કરોડની કમાણી થઈ હતી.

ટિકિટ કેન્સલ કરાવવા પર પૈસા કપાવાનો નિયમ

IRCTCના નિયમ મુજબ જો RAC અથવા વેટિંગ લિસ્ટની ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રૂ. 60 રિફંડથી કાપવામાં આવે છે. જો કન્ફર્મ ઈટિકિટ 48 કલાક પહેલાં રદ કરવામાં આવે તો AC ફર્સ્ટ ક્લાસમાં રૂ. 240, AC-2 ટિયરમાં રૂ. 240, AC-2 ટિયરમાં રૂ. 200, AC-3 ટિયરમાં રૂ. 180, સ્લીપરમાં રૂ. 120 અને સેકન્ડ ક્લાસમાં રૂ. 60 કાપવામાં આવે છે. જો ટ્રેન શેડ્યુએલના 48-12 કલાકની અંદર કેન્સલ કરવામાં આવે તો ટિકિટ ભાડાના 25 ટકા રિફંડથી કાપવામાં આવે છે.