હવે કેગ પણ કહે છે કે, રેલવેની કમાણીમાં ઘટાડો થઇ રહયો છે…

નવી દિલ્હીઃ સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં રેલવેને લઈને એક મોટો ખુલાસો થયો છે. રેલવેનું ઓપરેટિંગ સતત વધતું જઈ રહ્યું છે. આનો ઓપરેટિંગ રેશિયો વર્ષ 2017-18 માં વધીને 10 વર્ષના ઉચ્ચ સ્તર 98.44 ટકા પર પહોંચી ગયો છે. આનો અર્થ છે કે રેલવેને 100 રુપિયાની કમાણી માટે 98.44 રુપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે. કેગના રિપોર્ટ અનુસાર રેલવેનો ઓપરેટિંગ રેશિયો 2015-16 માં 90.49 ટકા અને 2016-17 માં 96.5 ટકા રહ્યો હતો.

આ રિપોર્ટ અનુસાર, ભારતીય રેલવેનો ઓપરેટિંગ રેશિયો નાણાકીય વર્ષ 2017-18 માં 98.44 ટકા રહેવાનું મુખ્ય કારણ આનો ઓપરેટિંગ ખર્ચ વધ્યો તે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2008.09 માં રેલવેનો ઓપરેટિંગ રેશિયો 90.48 ટકા હતો કે જે વર્ષ 2009-10 માં 95.28 ટકા, 2010-11 માં 94.59 ટકા, 2011-12 માં 94.85 ટકા, 2012-13 માં 90.19 ટકા, 2013-14 માં 93.6 ટકા, 2014-15 માં 91.25 ટકા સુધી પહોંચી ગયો છે.

કેગ દ્વારા ભલામણ પણ કરવામાં આવી છે કે રેલવેએ આંતરિક કમાણી વધારવાના ઉપાયો કરવા જોઈએ જેથી મોટા બજેટ વાળા સંસાધનો પર નિર્ભરતા ઓછી કરી શકાય. કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય રેલવેનો કુલ ખર્ચ 2016-17 માં 2,68,759.62 કરોડ રુપિયાથી વધીને વર્ષ 2017-18 માં 2,79,249.50 કરોડ રુપિયા થઈ ગયો છે. આમાં કેપિટલ ખર્ચ 5.82 ટકા ઘટ્યો છે જ્યારે વર્ષ દરમિયાન રાજસ્વ ખર્ચમાં 10.47 ટકાનો વધારો થયો છે.