મોદીએ એનડીએમાં જોડાવાની ઓફર કરી હોવાનો શરદ પવારનો દાવો

મુંબઈ: એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો, પણ મેં તેને નકારી દીધો. શરદ પવારે એક ટીવી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ દાવો કર્યો. તેમણે કહ્યું કે, મોદીએ મારી સામે સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મેં તેમને કહ્યું કે, આપણા અંગત સંબંધો ખૂબ જ સારા છે અને તે હંમેશા રહેશે, પણ મારા માટે સાથે મળીને કામ કરવું સંભવ નથી. જો કે, શરદ પવારે એ વાતને નકારી હતી કે, મોદી સરકારે તેમને દેશના રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો.

તેમણે એમ પણ કહ્યું કે, કેબિનેટમાં સુપ્રિયા (સુલે)ને મંત્રી બનાવવાનો પ્રસ્તાવ પણ અમને ચોક્ક્સ મળ્યો હતો. મહત્વનું છે કે, ગયા મહિને જ મહારાષ્ટ્રમાં રાજકીય નાટક ચાલી રહ્યું હતુ એ દરમ્યાન શરદ પવાર અને પીએમ મોદીએ સંસદમાં બેઠક કરી હતી.

યાદ રહે કે, સુપ્રિયા સુલે પવારની પુત્રી છે અને પૂણે જિલ્લામાં બારામતી બેઠકથી લોકસભા સાંસદ છે.

શરદ પવારે કહ્યું કે, 28 નવેમ્બરે જ્યારે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદની શપથ લીધા ત્યારે અજિત પવારને શપથ નહીં અપાવવાનો નિર્ણય સમજી વિચારીને લેવામાં આવ્યો છે. પવારે કહ્યું કે, જ્યારે મને અજિત પવારે ભાજપને સમર્થન આપ્યું હોવાની જાણ થઈ તો સૌથી પહેલા મેં ઠાકરેનો સંપર્ક કર્યો હતો. મેં ઠાકરેને કહ્યું કે, જે થયું તે સારુ નથી થયું.