નવી દિલ્હી – અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં એમના પરંપરાગત મતવિસ્તાર અમેઠી ઉપરાંત કેરળના વાયનાડ મતવિસ્તારમાંથી પણ લોકસભાની ચૂંટણી લડશે. રાહુલ આ વખતે બે બેઠક પરથી ચૂંટણી લડશે અને અમેઠી ઉપરાંતની બીજી બેઠક વાયનાડ હશે એવી છેલ્લા અમુક દિવસોથી વાતો હતી, જેનો આજે અહીં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદમાં સત્તાવાર જાહેરાત સાથે અંત આવી ગયો છે.
કોંગ્રેસના નેતા એ.કે. એન્ટનીએ પત્રકારોને કહ્યું કે દક્ષિણ ભારતના તમામ રાજ્યો તરફથી વિનંતી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીએ એમના રાજ્યમાંથી ચૂંટણી લડવી જોઈએ. પૂરતી ચર્ચા કર્યા બાદ એમણે વાયનાડમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. વાયનાડ કેરળમાં આવેલું છે અને બે અન્ય રાજ્ય સાથે સરહદ બનાવે છે – કર્ણાટક અને તામિલનાડુ.
રાહુલ ગાંધી આ પહેલી જ વાર બે બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાના છે.
અમેઠીમાં રાહુલ સામે આ વખતે ફરીથી ભાજપનાં સ્મૃતિ ઈરાની ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપે એવી કમેન્ટ કરી હતી કે રાહુલને સ્મૃતિ ઈરાની સામે હારી જવાનો ડર લાગે છે એટલે જ એ બીજી સીટ પરથી ચૂંટણી લડવા માગે છે.
કોંગ્રેસે એના વળતા જવાબમાં કહ્યું હતું કે ભાજપની કમેન્ટ બાલિશ છે. અમે પણ કમેન્ટ કરી શક્યા હોત જ્યારે નરેન્દ્ર મોદીએ વારાણસી અને વડોદરા, એમ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી. (વડા પ્રધાન મોદી ત્યારે બંને બેઠક પરથી જીત્યા હતા, બાદમાં વડોદરા બેઠક એમણે ખાલી કરી આપી હતી)
2014ની ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની પણ અમેઠી ઉપરાંત દિલ્હીની ચાંદની ચોક, એમ બે બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યાં હતાં અને બંને પર હારી ગયાં હતાં.
વાયનાડ કેરળનો ગ્રામિણ જિલ્લો છે.આ બેઠક દાયકાઓથી કોંગ્રેસનો ગઢ ગણાય છે અને રાહુલ માટે અહીં જીતવાનું ખાસ મુશ્કેલ નહીં બને એવું રાજકીય પંડિતોનું માનવું છે.
રાહુલ ગાંધીએ અમેઠી ઉપરાંત દક્ષિણ ભારતમાંથી પણ કોઈક બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ એવો નિર્ણય ગયા અઠવાડિયે કોંગ્રેસ કાર્યકારી સમિતિએ લીધો હતો.
ડાબેરી નેતા પ્રકાશ કરાત ભડકી ગયા
દરમિયાન, રાહુલ ગાંધીનો નિર્ણય જાણ્યા બાદ માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ-એમ)માં નારાજગી અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. પાર્ટીના મહામંત્રી પ્રકાશ કરાતે કોલકાતામાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. એમણે કહ્યું કે આ બતાવે છે કે કોંગ્રેસની પ્રાથમિકતા કેરળમાં ડાબેરીઓ સામે લડવાની થઈ ગઈ છે.
કરાતે એએનઆઈ સમાચાર સંસ્થાને કહ્યું કે, વાયનાડમાંથી રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવવાનો કોંગ્રેસનો નિર્ણય દર્શાવે છે કે પાર્ટીની પ્રાથમિકતા હવે કેરળમાં ડાબેરીઓ સામે લડવાની થઈ ગઈ છે. આ નિર્ણય ભાજપ સામે લડવાના કોંગ્રેસના રાષ્ટ્રીય નિર્ણયથી વિરુદ્ધનો છે, કારણ કે કેરળમાં એલડીએફ પાર્ટી છે, જે ત્યાં ભાજપ સામે લડનારી મુખ્ય શક્તિ છે.
કરાતે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડમાંથી ચૂંટણી લડે એની સામે અમારો સખત વાંધો છે અને અમે એ બેઠક પર એમને હરાવવામાં કોઈ કચાશ બાકી નહીં રાખીએ. ડાબેરીઓ સામે રાહુલ ગાંધી જેવા ઉમેદવારને પસંદ કરવા પાછળનો કોંગ્રેસનો ઈરાદો કેરળમાં ડાબેરીઓને ટાર્ગેટ બનાવવાનો છે. આનો અમે સખત વિરોધ કરીએ છીએ.