નવી દિલ્હી- પાકિસ્તાનની એક હરકતથી કોંગ્રેસમાં હાહાકાર મચી ગયો છે. હકીકતમાં પાકિસ્તાને કશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં આપેલા પોતાના પ્રસ્તાવમાં રાહુલ ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કર્યો છે. આ મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા જાહેર કરી છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાને રાહુલ ગાંધીના નામનો ખોટો ઉપયોગ કર્યો જેથી પાકિસ્તાન પોતાના જૂઠાણાંને સાચું ઠેરવી શકે.
રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, પાકિસ્તાન તરફથી રાહુલ ગાંધી અંગે ખોટી માહિતી આપવામાં આવી છે. વિશ્વમાં કોઈને પણ શંકા નથી કે, જમ્મુકશ્મીર અને લડાખ ભારતના અભિન્ન અંગ છે અને હમેશાં રહેશે. પાકિસ્તાનની આવી શૈતાની હરકતોથી આ હકીકત નહીં બદલાઈ જાય. આ પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે કશ્મીર મુદ્દે મોદી સરકારની સાથે છીએ.
રણદીપ સૂરજેવાલાની સાથે કોંગ્રેસ નેતા શશી થરુરે પણ જમ્મુકશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું. શશિ થરુરે કહ્યું કે, અમે આર્ટિકલ 370ને દૂર કરવાની પ્રક્રિયા વિરુદ્ધ છીએ. આનાથી અમારા બંધારણીય અને લોકશાહી મૂલ્યોનું હનન થયું છે. પાકિસ્તાને અમારા આ વલણનો કોઈ ફાયદો ઉઠાવવાની જરૂર નથી.
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કશ્મીર મુદ્દે સરકારનું સમર્થન કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કશ્મીર મામલો ભારતનો આંતરિક મામલો છે અને પાકિસ્તાન અથવા કોઈ અન્ય દેશોએ આ મામલે હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.