વિંગ કમાન્ડર શાલિજા ધામી બની દેશમી પ્રથમ ફ્લાઈટ કમાન્ડર, સ્થાયી કમિશન પણ મળશે…

નવી દિલ્હીઃ આપણાં દેશની દીકરીઓ નવી ઉંચાઈઓ સર કરી રહી છે. આકાશમાં પોતાની ક્ષમતા અને કાબેલિયતને ફરી એકવાર સાબિત કરી છે દેશની એક દીકરીએ. જેનું નામ છે- શાલિજા ધામી. વિંગ કમાન્ડર શાલિજા દેશની પ્રથમ ભારતીય મહિલા વાયુસેના અધિકારી છે જે ફ્લાઈટ કમાન્ડર બની છે. 15 વર્ષથી વાયુસેનામાં કાર્યરત દેશની સેવા કરનારી શાલિજા ધામીએ હિંડન એર બેઝમાં ચેતક હેલિકોપ્ટર યૂનિટમાં ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું છે.

ફ્લાઈટ કમાન્ડરનું પદ વાયુસેનામાં પહેલી પ્રમુખ લીડરશિપ પોઝિશન હોય છે. શાલિજા ધામીના ત્યાં સુધી પહોંચવાથી મહિલાઓ માટે વાયુસેનામાં આગળ વધવા માટેનો રસ્તો ખુલી ગયો છે. નવ વર્ષના બાળકની માતા શાલિજા પંજાબના લુધિયાણામાં મોટી થઈ છે. તે બાળપણથી જ પાયલટ બનવા ઈચ્છતી હતી. 15 વર્ષના પોતાના કરિયરમાં તેણે ચેતક અને ચીત્તા જેવા હેલિકોપ્ટર ઉડાવ્યાં છે. વિંગ કમાન્ડર ધામી ચેતક અને ચીતા હેલિકોપ્ટરો માટે ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા યોગ્ય ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પણ છે.

2300 કલાક સુધીની ઉડાનનો અનુભવ ધરાવનાર શાલિજા ધામી વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી છે કે જેને પોતાના લાંબા કાર્યકાળ માટે સ્થાયી કમિશન પ્રદાન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટમાં લાંબી અને કઠિન કાયદાકીય લડાઈ જીત્યાં બાદ મહિલા અધિકારીઓને પોતાના પુરુષ સમકક્ષો સાથે સ્થાયી કમિશન પર વિચાર કરવાનો અધિકાર મળ્યો છે. આપને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનામાં 1994 માં પ્રથમવાર મહિલાઓને શામેલ કરવામાં આવી હતી. પરંતુ તેમને નોન-કોમ્બેટ રોલ આપવામાં આવ્યો. ધીમેધીમે મહિલાઓએ સંઘર્ષ કરીને હવે કોમ્બેટ રોલ્સ પ્રાપ્ત કર્યા છે.

વાયુસેના પ્રમુખ એર માર્શલ બીએસ ધનોઆએ કહ્યું હતું કે વાયુસેનામાં મહિલાઓ માટે સ્થાયી કમિશન બે વાતો પર નિર્ભર કરે છે. પ્રથમ-વેકેન્સીની સંખ્યા અને બીજું મેરિટ. તેમણે કહ્યું કે વાયુસેના સાથે તમામ સેનામાં મહિલાઓની ભરતી માટે કોઈ પાબંદી નથી. સ્થાયી કમિશન માટે પસંદગી થયા પહેલાં મહિલા ઓફિસરે 13 વર્ષ સુધી વાયુસેનામાં પોતાની સેવા આપેલી હોવી જોઈએ. ત્યારબાદ તેમની પસંદગી સ્થાયી કમિશન માટે કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે મહિલાઓ શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત એરફોર્સમાં નિયુક્ત કરવામાં આવે છે.  

મહિલાઓ માટે સ્થાયી કમિશન લાગુ થવાના કારણે મહિલા ઉમેદવાર વધારે સમય સુધી સેનામાં કામ કરી શકશે અને તેમને ઘણી સુવિધાઓ પણ મળશે. સ્થાયી કમિશનથી મહિલાઓ 20 વર્ષ સુધી કામ કરી શકશે અને તેનો કાર્યકાળ વધારવામાં પણ આવી શકે છે. તો બીએસ ધનોઆએ કહ્યું કે જો મહિલાઓ ઈચ્છે તો તે સ્થાયી કમિશન અંતર્ગત કામ કરી શકે છે. કારણ કે સેનામાં તે શોર્ટ સર્વિસ કમિશન અંતર્ગત કામ કરે છે.

આ પહેલાં શોર્ટ સર્વિસ કમિશનના અધિકારી 10 વર્ષની સર્વિસ બાદ સ્થાયી કમિશન માટે યોગ્ય બનતાં હતાં. પરંતુ તેમના એન્યુઅલ રિપોર્ટમાં તેમનો ટ્રેક સારો હોવો જોઈએ. તેમ જ સ્થાયી કમિશનના અધિકારી શોર્ટ સર્વિસ કમિશનમાં શિફ્ટ નથી થઈ શકતાં. જો કોઈ જવા ઈચ્છે તો તેણે રિટાયરમેન્ટ લેવું પડશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]