નવી દિલ્હીઃ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયના પૂર્વ છાત્રસંઘ અધ્યક્ષ કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહ મામલે દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાર્વજનિક રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વાત એટલા માટે ઉઠી રહી છે કારણ કે 2016માં કનૈયા કુમારની ધરપકડનો વિરોધ કરી રહેલા છાત્રોને મળવા માટે રાહુલ ગાંધી જેએનયુ પહોંચ્યા હતા. વાત એટલા માટે પણ ચોંકાવનારી છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોશિયલ મીડિયા પર સક્રિય હોય છે.
રાહુલ ગાંધીએ મંગળવારના રોજ ટ્વિટ કરીને પોંગલ તહેવારની શુભકામનાઓ પાઠવી અને ટ્વિટમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને મળેવા ફિલિપ કોટલર એવોર્ડને લઈને પણ કટાક્ષ કર્યો હતો.
તો કનૈયા કુમારે દિલ્હી પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવા પર આને રાજનીતિથી પ્રેરિત ગણાવી છે. કનૈયા કુમારે ચાર્જશીટ દાખલ કરવા પર સવાલ ઉઠાવ્યો છે. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસે કનૈયા કુમાર વિરુદ્ધ દાખલ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દેશદ્રોહની ઘટનાને અંજામ આપવાની યોજના બનાવવામાં આવી રહી હતી. દિલ્હી પોલીસ અનુસાર પૂર્વ જેએનયુ છાત્ર ઉમર ખાલીદ અને અનિર્બાન અભટ્ટાચાર્ય વચ્ચે મોકલવામાં આવેલા ઈમેલ્સ અને ખાલીદ અને ત્રણ કાશ્મીરી છાત્રો વચ્ચે કથિત વાતચીત સાક્ષ્યોમાં શામિલ છે અને આ દેશદ્રોહના મામલાને મજબૂત કરે છે.
પોલીસે પોતાની ચાર્જશીટમાં દાવો કર્યો છે કે આનાથી સાબિત થાય છે કે છાત્ર સંસદ હુમલાના દોષીત અફઝલ ગુરુને ફાંસી આપવાની યાદમાં દેશદ્રોહની ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. ગત વર્ષે એવા સમાચારો સામે આવ્યા હતા સીપીઆઈ બિહારના બેગુસરાયથી લોકસભા ચૂંટણીમાં કનૈયા કુમારને ઉમેદવાર તરીકે ઉતારી શકે છે. જો કે આ મામલે સીપીઆઈએ કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પ્રાપ્ત વિગતો અનુસાર રાષ્ટ્રીય જનતા દળ અને સીપીઆઈ વચ્ચે સહમતી બની ચૂકી છે અને બેગુસરાયથી સીપીઆઈ ઉમેદવાર ઉતારશે.