કોલમ્બિયા યુનિવર્સિટીએ માન્યું કે, 2500 વર્ષ પહેલા ભારતમાં થતી હતી પ્લાસ્ટિક સર્જરી

નવી દિલ્હી– તાજેતરમાં દેશની ચર્ચિત લવલી પ્રોફેશનલ યૂનિવર્સિટીમાં 106માં ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સંશોધનકર્તાઓ દ્વારા એકથી એક વધુ ધ્યાનપાત્ર દાવાઓ કરવામાં આવ્યાં હતાં. સાયન્સ કોન્કલેવ દરમિયાન એમ પણ કહેવામાં આવ્યું કે, ડાયનાસોરના પ્રજનનની મુખ્ય જગ્યા ભારત છે, જેમની ઉત્પત્તિ ભગવાન બ્રમ્હા દ્વારા કરવામાં આવી હતી. આ સાથે જ કહેવામાં આવ્યું હતું કે, કૌરવો ટેસ્ટ ટ્યૂબ બેબી હતાં. રાવણ પાસે એક બેલેસ્ટિક મિસાઈલ પણ હતી.  સમગ્ર દેશમાં આ વાતોને લઈને ઘણી દલીલો થઈ છે. આ બધાં વચ્ચે કોલમ્બિયા યુનિવર્સિટીએ માન્યું છે કે, ભારતમાં 2500 વર્ષ પહેલાં પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. ઔષધીય છોડની મદદથી સારવાર થઈ હતી. જે લોકોના નાક કાપી નાખવામાં આવતા હતાં, તેમના ચહેરા પર ફરીથી સર્જરીની મદદથી નાક જોડી દેવામાં આવતું હતું.

કોલમ્બિયા યૂનિવર્સિટીના એરવિંગ મેડિકલ સેન્ટર, જે એક પ્લાસ્ટિક સર્જરીની બાબતોનું ધ્યાન રાખે છે. વેબસાઈટ columbiasurgery.org પર પ્રકાશિત એક લેખ અનુસાર, ભારતમાં 2500 વર્ષ પહેલા પ્લાસ્ટિક સર્જરી થઈ હતી. આઈવી લીગ વિશ્વવિદ્યાલયની વેબસાઈટ અનુસાર, આજથી લગભગ 2500 વર્ષ પહેલા 6ઠ્ઠી શતાબ્દી ઈસા પૂર્વ દરમિયાન એક  ભારતિય ચિકિત્સક જેમનું નામ સુશ્રુત હતું, તેમણે વિશ્વના દવાઓ અને સર્જરી પર સૌથી જૂની રીતો અંગે લખ્યું હતું. સુશ્રુતને ભારતમાં શલ્ય ચિકિત્સા (સર્જરી)ના જનક તરીકે ઓળખવામાં આવે છે.

લેખ અનુસાર સુશ્રુત સંહિતામાં 1100થી વધુ રોગોની સારવાર, સૈકડો ઔષધિય છોડનો ઉપયોગ અને સર્જરી માટેના સૂચનો આપવામાં આવ્યાં છે. આ સર્જરીમાં ત્રણ પ્રકારના સ્કીન ગ્રાફ્ટ અને નાકના પુન: નિર્માણ અંગે લખ્યું છે.

સુશ્રુત ગ્રંથમાં માથાના ફ્લેપ રાઈનોપ્લાસ્ટીનો પ્રથમ લેખિત રેકોર્ડ છે, જે ટેકનિકનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં નાકને ફરીથી જોડવા માટે માથાની ચામડીની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો.

તમને જણાવી દઈએ કે, એ સમયે આવી પ્રક્રિયાનો ઉપયોગ એવા લોકો માટે થતો હતો જે, ચોરી કે વ્યાભિચારના ગુનામાં પોતાનું નાક ગુમાવી ચૂક્યાં હોય. સર્જરીની આ વિધિઓને સુશ્રુત સંહિતામાં યોગ્ય રીતે સમજ આપવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]