નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને રાજનૈતિક દળો અત્યારે પ્રજાને પોતાની તરફ આકર્ષવાના કામમાં લાગ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ જનતાને પોતાની તરફ આકર્ષવા માટે પૂર્ણ પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ આવતીકાલે લોકસભા ચૂંટણી માટે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે આજે એક નિવેદનમાં આ મામલે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હી સ્થિત પાર્ટી કાર્યાલયથી પોતાનું ઘોષણાપત્ર જાહેર કરશે.
માનવામાં આવી રહ્યું છે, કે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. પાર્ટી મેનિફેસ્ટોમાં રોજગાર, પર્યાવરણ અને શહેરીકરણ પર ફોકસ રહેશે. રાહુલ ગાંધી પહેલા જ ન્યૂનતમ આવક યોજનાની જાહેરાત કરી ચૂક્યા છે. તેઓ વાંરંવાર કહી રહ્યા છે કે, કોંગ્રેસ ગરીબી વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરશે, અમે ભારતના લોકોને “ન્યાય” આપીશું. આ ગરીબી વિરુદ્ધ અમારું અહિંસક હથિયાર છે.
તેમનું કહેવું છે કે 12 હજારથી ઓછી માસિક આવક વાળા 20 ટકા સૌથી ગરીબ લોકોને આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે અને દર વર્ષે તેમના બેંક ખાતામાં 72 હજાર રુપિયા આપવામાં આવશે. આ સીવાય રાહુલ ગાંધીએ વાયદો કર્યો છે કે જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો 1 વર્ષની અંદર 22 લાખ સરકારી નોકરી આપવામાં આવશે. તેમણે પોતાના વાયદાને પૂર્ણ કરવા માટે તારીખ પણ આપી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જો અમારી પાર્ટી સત્તામાં આવશે તો આવતા વર્ષે 31 માર્ચ સુધી 22 લાખ સરકારી નોકરીઓના પદ ભરી દેવામાં આવશે.
મોદી સરકારને રોજગારના મુદ્દે ઘેરનારા રાહુલ ગાંધીએ આ વાયદો લોકસભા ચૂંટણી માટે થનારા પ્રથમ ચરણના મતદાનથી દસ દિવસ પહેલા કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને જનતાને આ વાયદો કર્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે વર્તમાન સમયમાં આશરે 22 લાખ સરકારી નોકરીઓના પદ ખાલી છે. જો તેમની પાર્ટી સત્તામાં આવી તો 31 માર્ચ 2020 સુધી તમામ પદોને ભરી દેવામાં આવશે.