નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોવિડ-19 વાયરસથી અત્યારસુધીમાં 273 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કોરોના સંક્રમણના કુલ 8447 જેટલા કેસો પણ સામે આવ્યા છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીની અસર દેશના ભવિષ્ય પર કાળા પડછાયાની જેમ મંડરાતી રહેશે અને લોકડાઉનની અસર સીધી રીતે દેશની આર્થિક ગતિવિધિઓ પર પડશે. અનુમાન અનુસાર, કોવિડ-19 ની મહામારીના કારણે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાય, વ્યાપાર અને પર્યટન પર વિપરીત અસર પડશે.
આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આર્થિક મંદીએ કેટલાય ભારતીય કોર્પોરેટ્સને કમજોર કરી દીધા છે. તેમણે સરકારને રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોઈ વિદેશી કંપની દ્વારા કોઈપણ કોર્પોરેટનું નિયંત્રણ પોતાના હાથમાં ન લઈ શકવાને સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. તેમણે આ ચિંતા મીડિયામાં આવેલા એ સમાચારો બાદ પ્રગટ કરી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશી સંસ્થાઓએ સ્ટોક બજારમાં નીચે આવ્યા બાદ ભારતીય કંપનીઓમાં ભાગીદારી ખરીદી છે.
