નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર આત્મહત્યા મામલે આરોપી રાહુલ નવલાનીની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે, પણ તેની પત્ની દિશા હજી પણ ફરાર છે. પોલીસ તેની શોધખોળમાં લાગેલી છે. આ મામલે રાહુલની સામે પોલીસે લુકઆઉટ નોટિસ જારી કરી હતી. રાહુલ વૈશાલીનો પડોશી અને એક્સ બોયફ્રેન્ડ છે. વૈશાલીની નોટમાં રાહુલ અને દિશાનું નામ હતું, જેમાં એ બંને આપઘાત કરવા ઉશ્કેરણી કરી હોવાનું જણાયું હતું. ઇન્દોર પોલીસે બંને પતિ-પત્ની પર રૂ. 5000-5000નું ઇનામ જાહેર કર્યું હતું.
પોલીસ દિશાની તપાસ માટે અનેક રાજ્યોમાં દરોડા પાડી રહી છે. રાહુલના નજીકના મિત્રોથી પણ જયપુર અને મુંબઈમાં તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલાં વૈશાલીએ સુસાઇડ નોટમાં આ બંને પર બ્લેકમેઇલિંગનો આરોપ મૂક્યો હતો.
પોલીસે આરોપી પર ઇનામ જાહેર કરવાની સાથે લુકઆઉટ નોટિસ પણ જારી કરી છે, જેથી તે દેશ છોડીને ભાગી ના શકે. 29 વર્ષીય જાણીતી ટીવી સ્ટાર વૈશાલીએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે 16 ઓક્ટોબરે ઇન્દોર સ્થિત ઘરમાં ફાંસીનો ફંદો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટનાસ્થળેથી તેની ડાયરી અને સુસાઇડ નોટ જપ્ત કરી હતી, જેમાં તેણે અભિનેત્રીએ છેલ્લાં બે વર્ષમાં શું થયું એ વિશે ખૂલીને લખ્યું હતું. ત્યાર બાદ પોલીસે રાહુલ અને દિશાની સામે કલમ 306 હેઠળ કેસ નોંધ્યો હતો.
મધ્ય પ્રદેશના ગૃહપ્રધાન નરોત્તમ મિશ્રાએ આ કેસમાં પગલાં લીધાં છે અને તેમણે બંને આરોપીની સામે લુકઆઉટ નોટિસ જારી કરવા ઉપરાંત રૂ. પાંચ હજારના ઇનામની જાહેરાત કરી છે. દેશનાં બધાં એરપોર્ટોને પણ આ આરોપીઓની જાણ કરવામાં આવી છે.