નવી દિલ્હી – રફાલ જેટ વિમાન સોદા કેસમાં સંરક્ષણ મંત્રાલયે આજે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું નોંધાવ્યું છે.
સરકારે કોર્ટમાં કહ્યું કે રફાલ રીવ્યૂ કેસમાં અરજદારોએ જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી છે, કારણ કે એ ફ્રેન્ચ બનાવટના યુદ્ધવિમાનોને સંબંધિત છે.
સંરક્ષણ મંત્રાલયે તેના સોગંદનામામાં ઉમેર્યું છે કે આ ખાનગી દસ્તાવેજોને જાહેર કરવાના કૃત્યમાં જે લોકો સંડોવાયેલા છે તેઓ ફોજદારી ગુનાઓના અપરાધીઓ છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે સંવેદનશીલ સત્તાવાર દસ્તાવેજોની ગેરકાયદેસર રીતે ફોટોકોપી પાડવી અને મૂળ દસ્તાવેજોમાંની વિગતો જાહેર કરવા એ ગંભીર અપરાધ છે.
સોગંદનામામાં વધુમાં જણાવાયું છે કે આ બાબતમાં ગઈ 28 ફેબ્રુઆરીએ આંતરિક સ્તરે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઈ 6 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રફાલ જેટ વિમાનોનાં સોદાને લગતા અમુક ખાનગી દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાઈ ગયા છે.
કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું હતું કે રફાલ વિમાનોની ખરીદી વિરુદ્ધની તમામ અરજીઓને સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. એ ચુકાદામાં ફેરવિચારણાની માગણી કરતા અરજદારોએ એમની દલીલના ટેકામાં ચોરાયેલા દસ્તાવેજો રજૂ કર્યા છે.
જોકે વેણુગોપાલે બે દિવસ બાદ એમ કહ્યું હતું કે રફાલ સોદાને લગતા દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરાયા નથી, પણ અરજદારોએ જે રજૂ કર્યા છે કે ઓરિજિનલ દસ્તાવેજોની ફોટોકોપીઝ છે.