ચંડીગઢ – રાજકીય પક્ષો આજકાલ ચોકીદાર શબ્દનો જે રીતે ઉપયોગ કરી રહ્યા છે એને કારણે ચોકીદારી વ્યવસાયનું અપમાન થયું છે એવી દલીલ કરીને પંજાબના ચોકીદારોનાં એક સંગઠને ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ચોકીદારોએ પંચને વિનંતી કરી છે કે ચોકીદાર શબ્દનો ઉપયોગ કરવા માટે રાજકીય પક્ષો પર તે પ્રતિબંધ મૂકે.
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ યુનિયને ફરિયાદ કરી છે કે લોકો બૂમો પાડી રહ્યા છે કે ‘ચોકીદાર ચોર હૈ’.
યુનિયનના વડા જસવિન્દર સિંહ ઝંડેએ એમ કહ્યું છે કે લોકો આવી બૂમો પાડતો હોય છે એટલે અમારે માટે અમારી કામગીરી બજાવવાનું મુશ્કેલ બની ગયું છે. તેથી અમારા યુનિયને ભાજપ અને કોંગ્રેસ, બેઉ સામે ફરિયાદ નોંધાવી છે.
જસવિન્દરે કહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત કોઈ પણ વ્યક્તિ એમના નામની આગળ ચોકીદાર શબ્દ લગાડે એ અમને જરાય સ્વીકાર્ય નથી. દરેક વ્યક્તિ ચોકીદાર બની ન શકે.
ચોકીદાર ચોર હૈ કહેતા કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતા જસવિન્દરે કહ્યું કે આને કારણે અમારો વ્યવસાય બદનામ થયો છે. અમે વાસ્તવમાં ઈમાનદાર લોકો છીએ.
જસવિન્દરે વધુમાં કહ્યું છે કે ઘણા ચોકીદારોએ અમને ફરિયાદ કરી છે કે લોકો રાજકીય નેતાઓની જેમ ચોકીદાર ચોર હૈ બૂમો પાડે છે. આને કારણે જ અમને દિલ્હી તથા ચંડીગઢમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવાની ફરજ પડી છે.
ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ આગામી લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના પ્રચારનો સામનો કરવા માટે પોતાના ટ્વિટર હેન્ડલના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેર્યો હતો. એમના નિર્ણયને પગલે એમના ઘણા પ્રધાનોએ, ભાજપના ઘણા નેતાઓએ તેમજ સામાન્ય જનતામાં ઘણા લોકોએ પોતપોતાના નામની આગળ ચોકીદાર શબ્દ ઉમેરી દીધો છે.