નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ થયા બાદ અસમમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને લઈને વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરતા ત્યાંના લોકોને અપીલ કરી છે. વડાપ્રધાન મોદીએ લખ્યું કે, હું અસમના મારા ભાઈઓ-બહેનોને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે તેમને નાગરિકતા સંશોધન બિલ પાસ થયા બાદ કોઈ ચિંતા કરવાની જરુર નથી. હું તેમને આશ્વસ્ત કરવા માંગું છું કે કોઈ તેમની પાસેથી તેમનો અધિકાર, ઓળખ અને સુંદર સંસ્કૃતિ નહીં છીનવી શકે.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, કેન્દ્ર સરકાર અને હું પૂર્ણતઃ કટિબદ્ધ છીએ કે અસમના લોકોના રાજનૈતિક, ભાષાકીય, સાંસ્કૃતિક, અને જમિન સંબંધિત અધિકારોની ક્લોઝ 6ની મૂળ ભાવનાને અનુરુપ સંવૈધાનિક રુપે રક્ષા કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન બિલને લઈને પૂર્વોત્તર રાજ્યોમાં વિરોધ વધતો જોવા મળી રહ્યો છે.અનેક જગ્યાઓએ આગચંપીની ઘટનાઓ બની રહી છે. અસમમાં ત્રીજા દિવસે પણ હિંસક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે જેના કારણે અનેક વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. રાજ્યમાં સીઆરપીએફની 10 કંપનીઓ હાજર કરી દેવામાં આવી છે. તિનસુકિયામાં ચાર દુકાનોમાં આગ લગાવવામાં આવી છે. ગુરુવારે સવારે અહીં એક મૃતદેહ મળ્યો છે. અસમમાં પણ વિરોધ પ્રદર્શન ચાલી જ રહ્યું છે.
નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અસમમાં હિંસા ફેલાઈ રહી છે. આ સાથે જ અહીં અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. અસમમાં 31 ટ્રેન રદ થઈ છે. તો અનેક વિસ્તારોમાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે.
કોલકત્તા હવાઈ મથકના અધિકારીના જણાવ્યા અનુસાર કોલકત્તાથી ડિબ્રૂગઢ જનારી દરેક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ઈન્ડિગોએ ડિબ્રૂગઢથી આવનારી અને જનારી દરેક ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. મળતી માહિતી અનુસાર આ યાત્રીઓ વૈકલ્પિક ફ્લાઈટ્સ મેળવી શકે છે અને સાથે જ રિફંડ પણ મેળવી શકે છે.