નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામન બજેટમાં મધ્યમ વર્ગ માટે ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે મોટી જાહેરાત કરે એવી શક્યતા છે. આ વખતના બજેટમાં પ્રોવિડન્ટ ફંડ માટે મોટું એલાન થવાની શક્યતા છે, જેના માટે શ્રમ અને રોજગાર મંત્રાલય માટે પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રોવિડન્ટ સેલરીની મહત્તમ મર્યાદા બજેટમાં વધે એવી શક્યતા છે. આ વખતના બજેટમાં નાણાપ્રધાન વેજ સિલિંગ વધારવાનું એલાન કરી શકે છે. હાલના સમયમાં પ્રોવિડન્ટ ફંડ માટે વેજ સિલિંગ રૂ. 15,000 છે. છેલ્લે પહેલી સપ્ટેમ્બર, 2014એ રૂ. 6500થી વધારીને રૂ. 15,000 કરવામાં આવી હતી.
હવે એને રૂ. 15,000થી વધારીને રૂ. 25,000 સુધી કરવાનો પ્રસ્તાવ છે. મંત્રાલયે એ માટેનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. જો પ્રોવિડન્ટ ફંડ હેઠળ વેજ સિલિંગ વધે છે તો કર્મચારીઓ માટે એ સકારાત્મક નિર્ણય હોઈ શકે. વાસ્તવમાં સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવાના હેતુથી આ પ્રસ્તાવને તૈયાર કરી રહી છે.
સિનિયર સિટિજન્સ માટે પણ બજેટમાં જાહેરાતની શક્યતા
નાણાપ્રધાન સિનિયર સિટિજન્સ માટે પણ બજેટમાં કેટલીક જાહેરાતો કરે એવી શક્યતા છે, જેમાં શેર અને મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી યોજનામાં લોન્ગ ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સથી છૂટ રૂ. એક લાખની મર્યાદા નક્કી છે. જો કોઈ શેર્સ અને મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી યોજનામાં મૂડીરોકાણથી એક વર્ષમાં રૂ. એક લાખનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થાય છે તો એને ટેક્સ નહીં આપવો પડે. સરકાર સિનિયર સિટિજન્સ માટે એ મર્યાદા વધારીને કમસે કમ રૂ. બે લાખ કરે એવી શક્યતા છે.
સરકાર એવા સિનિયર સિટિજન્સને હાઉસ રેટ પર ટેક્સ ડિડક્શનની સુવિધા આપવા ઇચ્છે છે, જેમને નિયમિત રૂપે પેન્શન નથી મળતું. દેશમાં એવા સિનિયર સિટિજન્સ મોટી સંખ્યામાં છે, જેમને પેન્શનની આવક નથી અને ભાડાનાં ઘરોમાં રહે છે.
આ સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર ડિડક્શનની લિમિટ નથી વધી. હાલ સિનિયર સિટિજન્સ માટે હેલ્થ પોલિસીના પ્રીમિયમ પર રૂ. 50,000ની લિમિટ છે. સરકાર તરફથી એને રૂ. એક લાખ કરવાની જરૂર છે. સરકારે નેશનલ સેવિંગ સર્ટિફિકેશનથી મળનારા વ્યાજને પણ આ સેક્શનના દાયરામાં લાવે એવી શક્યતા છે. એનાથી મોટી સંખ્યામાં સિનિયર સિટિજન્સને રાહત મળશે.