લખનઉઃ પ્રિયંકા ગાંધી જે સ્કૂટી પર બેસીને લખનઉના ઈન્દિરાનગર સ્થિત પૂર્વ આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિજનોને મળવા માટે તેમના ઘરે ગયા હતા ત્યારે તેમને મેમો મળ્યો છે. ઉત્તર પ્રદેશની ટ્રાફિક પોલીસે સ્કૂટી ચલાવી રહેલા ધીરજ ગુર્જરનો 6300 રુપિયાનો મેમો ફાડ્યો છે. હકીકતમાં, આ દરમિયાન પ્રિયંકા ગાંધી અને સ્કૂટી ચલાવી રહેલા વ્યક્તિ ધીરજ ગુર્જરે હેલ્મેટ પહેર્યું નહોતું. આ જ કારણે લખનઉ ટ્રાફિક પોલીસે આ મેમો આપ્યો છે. આ પહેલા તેમને રોકવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના સ્થાપના દિવસે લખનઉ પહોંચેલા પ્રિયંકા ગાંધીને એ સમયે ઉત્તર પ્રદેશની પોલીસને સામનો કરવો પડ્યો કે જ્યારે તે પૂર્વ આઈપીએસ દારાપુરીને મળવા જઈ રહ્યા હતા. પ્રિયંકાનો આરોપ છે કે પોલીસે તેમને ઘણી જગ્યાએ રોકવાના પ્રયત્નો કર્યા. તેમનો આરોપ છે કે લોહિયા પથ પર તેમનું ગળુ પકડવામાં આવ્યું અને તેમને ધક્કો મારવામાં આવ્યો. બાદમાં પ્રિયંકા કોંગ્રેસ નેતા ધીરજ ગુર્જરના સ્કૂટી પર સવાર થઈને આગળ વધ્યા. જ્યાં ફરીથી તેમને રસ્તામાં રોકવામાં આવ્યા. આખરે થોડું ચાલીને તેઓ ઈન્દિરાનગર સ્થિત દારાપુરીના ઘરે પહોંચ્યા અને તેમના પરિજનો સાથે મુલાકાત કરી.