સૂર્યનો અભ્યાસ કરવા ઈસરો મોકલશે સેટેલાઈટ ‘આદિત્ય’: PM મોદીએ આપી જાણકારી

નવી દિલ્હી – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં એમનો આખરી રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ આજે સવારે પ્રસારિત કર્યો હતો. આ તેમનો 60મો માસિક રેડિયો કાર્યક્રમ હતો. જેમાં તેમણે કહ્યું કે દેશની અવકાશ સંશોધન સંસ્થા ‘ઈસરો’ (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય’ નામનો સેટેલાઈટ અવકાશમાં મોકલવા તૈયારી કરવા વિચારે છે.

વડા પ્રધાને કહ્યું કે ખગોળવિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત ઘણું આગળ વધી ગયું છે. આપણે આ ક્ષેત્રમાં નવી દિશા ખોલતી પહેલ હાથ ધરી છે. ઈસરો સંસ્થા પાસે ASTROSAT નામનો ખગોળસંશોધનને લગતો સેટેલાઈટ છે. વધુમાં, આપણે આદિત્ય નામનો એક અન્ય સેટેલાઈટ પણ લોન્ચ કરવા વિચારી રહ્યા છીએ જે સૂર્યનો અભ્યાસ કરશે.

વડા પ્રધાનને કહ્યું કે ભારત પાસે ઘણા શક્તિશાળી ટેલીસ્કોપ્સ છે, જે દેશભરમાં ગોઠવવામાં આવ્યા છે. એમાનું એક છે વિરાટ કદનું મીટર-વેવ ટેલીસકોપ, જે પુણે શહેરમાં લગાડવામાં આવ્યું છે. અન્ય શક્તિશાળી ટેલીસ્કોપ કોડાઈકેનાલ, ઉદગમંડલમ (ઊટી), ગુરુ શિખર અને લડાખમાં ગોઠવવામાં આવ્યા છે.

વડા પ્રધાને પોતાના કાર્યક્રમના શ્રોતાઓને વિનંતી કરી હતી કે તમે આકાશમંડળનો અભ્યાસ કરવાનો શોખ કેળવો, જેથી ગ્રામિણ સ્તરે શિબિરો અને પિકનિક્સ જેવી પ્રવૃત્તિઓને વેગ મળે. શાળાઓ અને કોલેજોમાં એસ્ટ્રોનોમી ક્લબ્સની રચના કરવાની જરૂરિયાત ઉપર પણ વડા પ્રધાને ભાર મૂક્યો હતો.

વડા પ્રધાને કહ્યું કે આપણા દેશમાં પ્લેનેટેરિયમ્સ લોકોને ખગોળશાસ્ત્ર શીખવામાં અને અવકાશી રહસ્યો જાણવામાં મદદરૂપ થઈ રહ્યા છે.