અમીર મિત્રોને ફાયદો કરાવવા ભાજપે લોકોના ખિસ્સાં કાપ્યા: પ્રિયંકા ગાંધી

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખાનગી ક્ષેત્રની પ્રમુખ મોબાઈલ સેવા આપતી કંપનીઓના ઈન્ટરનેટ અને કોલ ચાર્જ વધારવાને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યુ છે. પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે, ભાજપ તેમના અમીર મિત્રોને ફાયદો પહોંચાડવા માટે ગરીબોના ખિસ્સા કાપી રહી છે. પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે, ભાજપ છેલ્લા 6 વર્ષથી મોબાઈલ ઈન્ટરનેટ અને કોલ સસ્તા કરવાની ડીંગ મારી રહી હતી. હવે તેના આ દાવાની પણ હવા નિકળી ગઈ છે.

પ્રિયંકાએ દાવો કર્યો કે, ભાજપે બીએસએનએલ અને એમટીએનએલને નબળી કરી ને અન્ય ખાનગી કંપનીઓ માટે કોલ અને ડેટા મોંઘા કરવાનો રસ્તો ખુલ્લો કરી દીધો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ તેમના અમીર મિત્રોને ફાયદો પહોંચાડવા માટે સતત પબ્લિકના ખિસ્સા કાપી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વોડાફોન આઈડિયા અને એરેટલની સાથે સાથે રિલાયન્સ જિયો એ પણ મોબાઈલ સેવાના વધારેલા દરોની રવિવારે જાહેરાત કરી હતી. જિયોના નવા દર છ ડિસેમ્બરથી પ્રભાવી હશે અને 40 ટકા મોંઘા હશે. તો વોડાફોન આઈડિયા એ પોતાની પ્રીપેઈડ સર્વિસના ટેરિફમાં વધારાની જાહેરાત પહેલાથી જ કરી દીધી હતી જે 3 ડિસેમ્બરથી લાગૂ થશે.