પેટ્રોલ, ડિઝલ પરનો વેરો ઘટાડવાનો સરકારનો કોઈ વિચાર નથીઃ નાણાં પ્રધાન સીતારામન

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે આજે કહ્યું છે કે પેટ્રોલ અને ડિઝલ પરનો ટેક્સ ઘટાડવાનો એની પાસે કોઈ પ્રસ્તાવ નથી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે લોકસભામાં કહ્યું કે દુનિયામાં એવું કોઈ સ્થળ નથી જ્યાં પેટ્રોલ અને ડિઝલના ભાવ કોઈ ચોક્કસ સમયગાળા માટે સ્થિર રહે છે.

પેટ્રોલ અને ડિઝલને શું ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના દાયરામાં સામેલ કરવામાં આવશે? એવા એક સવાલના જવાબમાં સીતારામને જણાવ્યું કે હાલ આ બંને ચીજ જીએસટી ઝીરો રેટ કેટેગરીમાં જ છે. જીએસટી કાઉન્સિલ દ્વારા જ રેટ નક્કી કરવામાં આવે છે.

કાઉન્સિલનું અધ્યક્ષપદ કેન્દ્રીય નાણાં પ્રધાન લેતા હોય છે તેમજ સભ્યો તરીકે હોય છે, તમામ રાજ્યોના નાણાંપ્રધાન.

સીતારામને કહ્યું કે હાલને તબક્કે પેટ્રોલ અને ડિઝલ પરનો વેરો ઘટાડવાનો સરકારનો કોઈ વિચાર નથી. સરકાર પાસે એવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી.

એક અન્ય સવાલના જવાબમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલ પર નવો વેરો નાખવાનું પણ સરકારની વિચારણા હેઠળ નથી.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડિઝલ પર અનેક પ્રકારની કેન્દ્રીય આબકારી જકાત (સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી) અને કસ્ટમ્સ ડ્યૂટી નાખી છે. તે ઉપરાંત રાજ્ય સરકારો પણ એની પર પોતપોતાની રીતે વેરો ઉઘરાવે છે.

શું નાના ખેડૂતોને ડિઝલની ખરીદી પર સબ્સિડી આપવામાં આવશે ખરી? એવા સવાલના જવાબમાં પણ સીતારામને કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો જુદા જુદા સ્તરે વેરો ઉઘરાવે છે.