40000 કરોડના મામલે ભાજપમાં જ અનંત હેગડે અને ફડણવીસ સામસામે

નવી દિલ્હી: કર્ણાટકથી સાંસદ અનંત હેગડેના 40 હજાર કરોડ વાળા નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, ભાજપ બેકફુટ પર આવી ગઈ છે. જેથી હવે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે બચાવ કરવો પડી રહ્યો છે. ફડણવીસએ કહ્યું કે, આ પ્રકારનો એવો કોઈ મોટો નીતિગત નિર્ણય એમણે સીએમ પદ પર હતા ત્યારે નહતો લીધો. આ પ્રકારના તમામ આરોપ ખોટા છે.

મહત્વનું છે કે, પોતાના નિવેદનોને લીધે હંમેશા ચર્ચામાં રહેતા ભાજપા સાંસદ અનંત હેગડેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી 40 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે દેવેન્દ્ર ફડણવીસને ત્રણ દિવસ માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, તમને ખબર છે અમારી પાર્ટીનો માણસ 80 કલાક માટે મહારાષ્ટ્રમાં સીએમ બન્યો હતો. ત્યારબાદ ફડણવીસે રાજીનામું આપી દીધુ. તેમણે ડ્રામા શા માટે કર્યો હતો? શું અમારી પાર્ટીને ખબર નહતી કે, અમારી પાસે બહુમત નથી છતાં પણ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. આ સવાલ દરેકના મનમાં થાય છે. મુખ્યમંત્રી પાસે અંદાજે 40 હજાર કરોડ રૂપિયા હતાં. જો કોંગ્રેસ-એનસીપી અને શિવસેના સત્તામાં આવી જાત તો તેઓ આ નાણાનો ખોટો ઉપયોગ કરત. આ બધા કેન્દ્રના નાણા હતા અને તેનો ઉપયોગ રાજ્યના વિકાસમાં ન થાય આ બધુ પહેલાથી જ નક્કી કરી લેવામાં આવ્યું હતુ. એટલા માટે આ ડ્રામા કરવામાં આવ્યો. ફડણવીસે શપથ લીધાના 15 કલાકની અંદરમાં તમામ નાણા કેન્દ્રને મોકલી આપ્યા.

મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં જ્યાં એક દિવસ પહલા જ નક્કી થઈ ગયું હતુ કે, કોંગ્રેસ-એનસીપી અને શિવસેના મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે એ જ રાતે ભાજપે એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારને તોડીને વહેલી સવારે સૌ કોઈને આશ્ચર્યમાં નાખીને દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા અને અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બની ગયા. પણ ભાજપનો આ ખેલ પોકળ સાબિત થયો અને અજીત પવારે ઘર વાપસી કરી લીધી. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા અને કોંગ્રેસના નેતા નાના પટોલેને વિધાનસભ સ્પીકર બનાવવામાં આવ્યાં.