નવી દિલ્હીઃ દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત આજે તેની આઝાદીનું 75મું વર્ષ ઊજવી રહ્યો છે. આ રાષ્ટ્રીય પર્વને ‘આઝાદીના અમૃતમહોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કરીને દેશને સંબોધિત કર્યો હતો. પોતાના સંબોધનમાં વડા પ્રધાને તમામ દેશવાસીઓ તથા ભારત બહાર વસતા તમામ ભારતીયો તથા ભારતને પ્રેમ કરતા તમામ લોકોને અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા. પોતાના સંબોધનમાં મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા તથા દેશને આઝાદી અપાવવામાં તેમજ દેશનું ઘડતર કરવામાં ભૂમિકા ભજવનાર, પોતાના જાનનું બલિદાન આપનાર, પોતાનું જીવન સમર્પિત કરનાર નેતાઓ, સ્વાતંત્ર્યસેનાનીઓ, વીર જવાનો, જ્ઞાત-અજ્ઞાત વ્યક્તિઓને ભવ્ય શબ્દાંજલિ અર્પણ કરી હતી. સંબોધનમાં તેમણે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, પ્રથમ નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાબાસાહેબ આંબેડકરને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પોતાના સંબોધનમાં મોદીએ અનેક વિષય, મુદ્દાઓને આવરી લીધા હતા. આઝાદીના આ 75 વર્ષોમાં ભારતે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ તેમજ પોતાની સરકારે છેલ્લા સાત વર્ષમાં બજાવેલી કામગીરીઓનું તેમણે વર્ણન કર્યું હતું, ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય અંશઃ
- 75મો સ્વાતંત્ર્ય દિવસ માત્ર એક સમારંભ પૂરતો સીમિત રાખવો ન જોઈએ. આપણે આવતા 25 વર્ષ માટે નવા સંકલ્પો સાથે આગળ વધવાનું છે.
- ભારતના વિભાજનની પીડા ગત્ સદીની સૌથી મોટી દુર્ઘટનાઓમાંની એક રહી છે. હવેથી દર વર્ષે 14 ઓગસ્ટે દેશમાં ‘વિભાજન વિભીષિકા (ભયાનકતા) સ્મૃતિ દિવસ’ મનાવવામાં આવશે.
- વિશ્વનો સૌથી મોટો કોવિડ-19 રસીકરણ કાર્યક્રમ ભારતમાં ચલાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 54 કરોડ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.
- ઈશાન રાજ્યોના પાટનગરોને રેલવે નેટવર્કથી જોડવામાં આશે. ઈશાન ભારત વિસ્તારને બાંગ્લાદેશ, મ્યાનમાર, દક્ષિણ-પૂર્વ એશિયા સાથે જોડવામાં આવશે
- દેશ 75મો આઝાદી દિવસ ઉજવી રહ્યો છે ત્યારે રેલવે તંત્ર દેશભરમાં નવી 75 ‘વંદેભારત ટ્રેનો’ દોડાવશે.
- મોદીએ કહ્યું કે 25 વર્ષ પછી ભારત આઝાદીની શતાબ્દી ઉજવશે. દેશે આગામી 25 વર્ષો માટે નવા સંકલ્પોને આધાર બનાવીને આગળ વધવાનું છે. એ માટે દેશને આત્મનિર્ભર બનાવવા માટે તમામ નાગરિકોએ સંકલ્પ કરવાનો છે.
- વડા પ્રધાને ધ્વજવંદન કરી લીધા બાદ આકાશમાં ભારતીય હવાઈદળના બે મિગ હેલિકોપ્ટરોમાંથી રાષ્ટ્રધ્વજ તેમજ સમગ્ર લાલ કિલ્લા પરિસર ઉપર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. એ દ્રશ્ય જોઈને વડા પ્રધાને સ્મિત ફરકાવ્યું હતું. દેશના ઈતિહાસમાં આ પહેલી જ વાર હેલિકોપ્ટરોમાંથી લાલ કિલ્લા પરિસર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
- નાના કિસાન દેશની શાન છે, એમ કહીને મોદીએ કહ્યું કે આપણે દેશના નાના ખેડૂતોની સંગઠિત તાકાતને વધારવાની છે. પણે એમને નવી સુવિધાઓ આપવાની છે.
- ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કરીને દેશને સંબોધિત કરવાનું સૌભાગ્ય વડા પ્રધાન મોદીએ આ આઠમી વાર હાંસલ કર્યું છે.
- સ્વાતંત્ર્ય દિવસ ઉજવણી સમારોહનું સુરક્ષાના અત્યંત કડક બંદોબસ્ત વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાષ્ટ્રીય પાટનગર શહેરમાં તેમજ લાલ કિલ્લા પરિસરમાં બહુસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે.
- હાલની જ ટોક્યો ઓલિમ્પિક્સમાં જેવેલીન થ્રોમાં સુવર્ણચંદ્રક જીતનાર નીરજ ચોપરા તથા અન્ય મેડલવિજેતાઓ સહિત તમામ ઓલિમ્પિક ખેલાડીઓ પણ વિશેષ આમંત્રણ અંતર્ગત આ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં.