વડા પ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિની નકલને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ઉપરાષ્ટ્રપતિએ સોશિયલ મિડિયા X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.  તેમણે કહ્યું હતું કે તેઓ છેલ્લાં 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ X પર કહ્યું હતું કે  તેમણે પવિત્ર સંસદના પ્રાંગણમાં કેટલાક સાંસદોએ જે નાટકીય કાર્ય કર્યું છે, એના પર દુઃખ વ્યક્ત કર્યું છે.  

 રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ સોશિયલ મિડિયા પર પોસ્ટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું હતું કે  સંસદ પ્રાંગણમાં ઉપરાષ્ટ્રપતિને જે રીતે અપમાનિત કરવામાં આવ્યા તે જોઈને હું નિરાશ છું. ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય છે, પણ તેમણે અભિવ્યક્તિની ગરિમા અને શિષ્ટાચાર જાળવવા જોઈએ.

સંસદના શિયાળુ સત્રમાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો વિવાદ વકરી રહ્યો છે. સસ્પેન્ડ થયેલા સાંસદો સંસદ સંકુલમાં જ ધરણા પર બેઠા છે. આ સમયે NDA સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી વખતે તૃણમૂલ સાંસદ કલ્યાણ બેનરજીએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની નકલ ઉતારી  હતી.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ઘટનાને શરમજનક ગણાવતા કહ્યું કે, આ હાસ્યાસ્પદ અને અસ્વીકાર્ય છે કે એક સાંસદ રાજ્યસભાના અધ્યક્ષની મજાક ઊડાવી રહ્યા છે અને બીજા સાંસદ આ ઘટનાનો વિડિયો બનાવી રહ્યા છે. વિપક્ષના નેતાઓના પતનની કોઈ હદ નથી. મેં એક વિડિયો જોયો છે. ટીવી પર એક મોટા નેતા વિડિયો બનાવી રહ્યા હતા જ્યારે બીજા સાંસદ નકલ કરી રહ્યા હતા. ભગવાન તેમને સદબુદ્ધિ આપે. તેમણે ઉમેર્યું કે આ પ્રકારની મજાક ઉડાવીને સાંસદોએ મારું અપમાન કર્યું છે. મારી કૃષિ પૃષ્ઠભૂમિ, મારા પદની મજાક ઊડાવી છે.