શ્રીનગરઃ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના પોલીસ વડા આર.આર. સ્વૈને કહ્યું છે કે કોમી લાગણીની ઉશ્કેરણી કરતી કોઈ પણ પ્રકારની સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવશે તો એને આ પ્રદેશમાં ગુનાહિત અપરાધ ગણવામાં આવશે. આ માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમ હેઠળ નવી જોગવાઈ લાગુ કરવામાં આવશે.
ડાઈરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્વૈને કહ્યું છે કે આતંકવાદીઓ, અલગતાવાદી કે રાષ્ટ્ર-વિરોધી તત્ત્વો દ્વારા કોમી એખલાસને ભડકાવતા કે આતંક ફેલાવતા કે કોઈને ધમકી આપતા સંદેશા, ઓડિયો કે વીડિયો સામગ્રી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને કાયદા હેઠળ ગુનો ગણવામાં આવશે. જે કોઈ વ્યક્તિ એવી સામગ્રી ફોરવર્ડ કરશે કે શેર કરશે એણે કાનૂની પરિણામો ભોગવવા પડશે. આ પ્રકારની સામગ્રી મોકલવામાં આવે તો નાગરિકોએ એમની નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરવી.