નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળાના પ્રકોપ વચ્ચે કેટલીય ચીજવસ્તુઓમાં પરિવર્તન થઈ રહ્યાં છે. આ પરિવર્તન અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યાં છે. ભારતીય રેલવેમાં પણ કેટલાક ફેરફાર થવાની સંભાવના છે. હાલ રેલવે કોરોના રોગચાળાને કારણે સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહ્યું છે, પરંતુ હવે એવી શક્યતા છે કે કોરોના રોગચાળા પછી પણ રેલવેની સર્વિસ નિયમિત થશે ત્યારે પણ રેલવે એર કન્ડિશન્ડ કોચમાં પેસેન્જરોને ધાબળો, ટુવાલ, ચાદર, તકિયા (બેડરોલ)ની સુવિધા આપવાનું હંમેશ માટે બંધ કરી દેશે.
જોકે હજી આના પર સત્તાવાર નિર્ણય લેવાનો બાકી છે. આ સંદર્ભે રેલવે બોર્ડમાં ઉચ્ચ અધિકારીઓની વચ્ચે ઉચ્ચ સ્તરીય મીટિંગમાં આ મુદ્દે ચર્ચા-વિચારણા થઈ હતી. આ બેઠકમાં સામેલ ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ દિશામાં રેલવે આગળ વધારી રહ્યું છે. દેશમાં બિલ્ડ ઓપરેટ ઓન ટ્રાન્સફર મોડલ હેઠળ લિનનને ધોવા માટે મેકેનાઇઝ્ડ મેગા લોન્ડ્રીની સાથે શું કરવાનું છે-એ નક્કી કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
રેલવેના અંદાજ દર્શાવ્યો હતો કે પ્રત્યેક લિનન સેટ ધોવા માટે 40-50 રૂપિયાનો ખર્ચ થાય છે. હાલમાં 18 લાખ લિનન સેટ ફીલ્ડમાં છે. એક ધાબળો આશરે 48 મહિનાઓ સુધી સર્વિસમાં રહે છે અને મહિનામાં એક વાર ધોવામાં આવે છે. વળી, હાલમાં કોઈ નવું લિનન ખરીદવામાં નથી આવી રહ્યું.
પાછલા કેટલાક મહિનાઓમાં આશરે 20 રેલવે ડિવિઝનોએ ખાનગી વેન્ડરોને સસ્તી કિંમતો પર સ્ટેશનો પર ડિસ્પોઝેબલ ધાબળા, તકિયા અને ચાદરો બનાવવાનો કોન્ટ્રેક્ટ આપ્યો હતો. પૂર્વ મધ્ય રેલવેના દાનાપુર ડિવિઝનમાં પાંચ વેન્ડર છે, જે રેલવેને પ્રતિ વર્ષ આશરે 30 લાખ રૂપિયાની ચુકવણી કરે છે. દેશમાં આશરે 50 વેન્ડરોએ રેલવે સ્ટેશનોમાં દુકાનો ખોલી છે.
અધિકારીઓએ કહ્યું હતું કે ખર્ચને બદલે આ વિકલ્પ લિનનનું વ્યવસ્થાપન વધારાની આવકની કમાણી રળવાની તકમાં ફેરવે છે. એક અધિકારીએ AC ડબ્બાઓમાં આધુનિક તાપમાન નિયંત્રણ સેટિંગ્સની સાથે ધાબળાની જરૂરિયાત પૂરી થઈ જાય છે. રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું કે હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, પણ હાલ કોવિડ-19ના સમયગાળામાં લિનન સેટ નથી આપવામાં આવતા. જ્યારે સ્થિતિ સામાન્ય થશે ત્યારે એ બધા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવશે.