લખનઉઃ ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરીમાં ગઈ 3 ઓક્ટોબરે ખેડૂતોનો ભોગ લેનાર હત્યાકાંડના સંબંધમાં પોલીસે જેમને મુખ્ય આરોપી બનાવ્યા છે તે કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પૂછપરછમાં સહકાર આપતા ન હોવાના કારણે પોલીસે ગઈ કાલે રાતે એમની ધરપકડ કરી હતી. ડેપ્યૂટી ઈન્સ્પેક્ટર જનરલ (સહારનપુર રેન્જ) ઉપેન્દ્ર અગ્રવાલે કહ્યું કે આશિષ મિશ્રાને ગઈ કાલે જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જેમણે મિશ્રાને અદાલતી કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આશિષ મિશ્રાને પોલીસ રીમાન્ડ પર મોકલવા કે નહીં એનો નિર્ણય મેજિસ્ટ્રેટ સોમવારે લેશે. પોલીસે ત્રણ દિવસ માટે આશિષ મિશ્રાને રીમાન્ડ પર લેવાની પોલીસે કોર્ટ સમક્ષ માગણી મૂકી છે. આ કેસમાં સાત જણ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એમાંના બે જણ – લવકુશ અને આશિષ પાંડેની ગયા ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
લખીમપુર-ખીરીમાં ચાર ખેડૂત સહિત 8 જણનો ભોગ લેનાર હિંસાનો બનાવ બન્યો હતો ત્યારે તેઓ ક્યાં હતા એ વિશે આશિષ મિશ્રા સ્પષ્ટ જવાબ આપી શક્યા નહોતા. ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ 9-સભ્યોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)એ આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.
ગઈ 3 ઓક્ટોબરે લખીમપુર-ખીરીમાં કેટલાક ખેડૂતો રાજ્ય સરકારની વિરુદ્ધમાં આંદોલન કરી રહ્યા હતા ત્યારે હિંસા ફાટી નીકળી હતી. એમાં ચાર ખેડૂત સહિત આઠ જણ માર્યા ગયા હતા. બે જણ ભાજપના કાર્યકરોના કાફલામાંની કારમાં બેઠા હતા. તેઓ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યનું સ્વાગત કરવા માટે ત્યાં ગયા હતા. એક જણ સ્થાનિક પત્રકાર હતો અને ચોથો કારનો ડ્રાઈવર હતો. અનેક ખેડૂતો સંગઠનોની મુખ્ય સંચાલક સંસ્થા સંયુક્ત કિસાન મોરચાનો આક્ષેપ છે કે હેલીપેડ ખાતે આંદોલન કરી રહેલા ખેડૂતોને વિખેરવામાં આવી રહ્યા હતા ત્યારે આશિષ મિશ્રા ત્રણ વાહનોમાં ત્યાં પહોંચ્યા હતા અને એમની કાર નીચે ખેડૂતોને કચડી નાખ્યા હતા.