નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે જણાવ્યું છે કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં સલામતીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે ચૂંટણી યોજવામાં આવશે. વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે પત્રકાર પરિષદમાં આમ જણાવ્યું હતું. એમણે કહ્યું કે, જમ્મુ અને કશ્મીરમાં સલામતીની પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં લેવી પડે. તેથી પંચને યોગ્ય લાગશે ત્યારે ત્યાં વિધાનસભાની તથા અન્ય ચૂંટણીઓ યોજવામાં આવશે.
કેન્દ્ર સરકારે ગયા ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે તે જમ્મુ અને કશ્મીરમાં કોઈ પણ સમયે ચૂંટણી યોજવા માટે તૈયાર છે. સરકાર વતી ત્યારે ઉપસ્થિત થયેલા સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું હતું કે મતદારયાદીને અપડેટ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. 2018ની પરિસ્થિતિની સરખામણીમાં 2023માં ત્રાસવાદી ઘટનાઓમાં 45.2 ટકાનો ઘટાડો થયો છે, કેન્દ્રશાસિત પ્રદેશમાં સરહદ પારથી ઘૂસણખોરી 90.2 ટકા ઘટી છે, પથ્થરમારાના બનાવોમાં 97.2 ટકાનો ઘટાડો થયો છે.