ગુજરાત ટુ ગોરખપુરઃ જોડશે LPG પાઈપલાઈન, 24મીએ PM નાંખશે પાયો

નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમી 24 ફેબ્રુઆરી એટલે કે રવિવારે દેશની સૌથી મોટી લાંબી એલપીજી પાઈપલાઈન પરિયોજનાનો પાયો નાખવા જઈ રહ્યાં છે. પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાનના જણાવ્યા અનુસાર આ પાઈપલાઈનની મદદથી દેશની એક ચતુર્થાંશ વસ્તીને રાંધણ ગેસનો પુરવઠો પ્રાપ્ત થશે. સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)  ગુજરાતના કંડલાથી પૂર્વ ઉત્તર પ્રદેશના ગોરખપુર શહેર સુધી એલપીજી પાઈપલાઈન નાખશે.

IOC ગુજરાતના કંડલા ખાતે એલપીજીની આયાત બાદ ગેસને 1987 કિલોમીટર લાંબી પાઈપલાઈન મારફતે અમદાવાદ, ઉજ્જૈન (ભોપાલ), કાનપુર, અલાહાબાદ, વારણસી અને લખનૌ (ઉત્તર પ્રદેશ) થઈને ગોરખપુર સુધી પહોંચાડશે.

કેન્દ્રીય પ્રધાને જણાવ્યું કે, સંભવત: આ વિશ્વની સૌથી લાંબી એલપીજી ગેસ પાઈપલાઈન હશે, અને તેમના નિર્માણ પર અંદાજે 9 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પાઈપલાઈન માંથી દર વર્ષે 3.75 મિલિયન ટન ગેસનું વહન થશે.

 

કંડલા પોર્ટ ઉપરાંત IOCની ગુજરાતના કોયલી સ્થિત રિફાઈનરીમાંથી પણ પાઈપલાઈનમાં ગેસ નાખવામાં આવશે.  આ દેશની સૌથી લાંબી રાંધણ ગેસ પાઈપલાઈન હશે. GAIL ઈન્ડિયા હાલના સમયે ગુજરાતના જામનગરથી દિલ્હીની નજીક લોની સુધી 1415 કિલોમીટર લાંબી પાઈપલાઈનનું સંચાલન કરી રહી છે. આ ઉપરાંત ગેઈલ પાસે વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદ સુધીની 623 કિલોમીટર લાંબી પાઈપલાઈન પણ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ પરિયોજના તૈયાર થયા બાદ તેના રૂટ પર આવતા સિલિન્ડર ભરનારા 22 જેટલા એકમોને પણ એલપીજીનો પુરવઠો પહોંચાડવામાં આવશે.