રાહુલ ગાંધી 10 કિલોમીટર ચાલી, હજારો પગથિયા ચડી તિરુપતિ બાલાજી મંદિરે પહોંચ્યા

તિરુપતિ (આંધ્ર પ્રદેશ) – કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ આજે અહીં તિરુમાલા પહાડ પર સ્થિત ભગવાન વેંકટેશ્વરના મંદિરમાં જઈને દર્શન કર્યા હતા. રાહુલ ગાંધી પગપાળા જ મંદિરમાં પહોંચ્યા હતા.

રાહુલ આજે સવારે તિરુપતિ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. ત્યાંથી એ અલીપીરી ગયા હતા અને શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી તિરુપતિ બાલાજીની યાત્રા પર રવાના થયા હતા. એમની સાથે કોંગ્રેસના અમુક નેતાઓ તથા પાર્ટીના કાર્યકર્તાઓ હતા.

રાહુલ ગાંધીના અનેક પરિવારજનો ભૂતકાળમાં આ મંદિરનાં દર્શને આવી ચૂક્યાં છે. રાહુલનાં દાદી અને ભૂતપૂર્વ વડાં પ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી જ્યારે વડાં પ્રધાન પદે હતાં ત્યારે જ આ મંદિરમાં બે વાર દર્શન કરવા આવ્યાં હતાં. પરંતુ રાહુલ આ પરિવારનાં પહેલાં સભ્ય છે જેઓ પગપાળા ચાલીને દર્શન કરવા આવ્યા હતા.

રાહુલ તિરુમાલા પહાડ પર આવેલા મુખ્ય મંદિરે પહોંચતા પહેલાં લગભગ 10 કિલોમીટરનું અંતર ચાલતા ગયા હતા અને ત્યારબાદ 3,500 પગથિયા ચડીને મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. વાહન દ્વારા જવાને બદલે પગપાળા, પગથિયા ચડીને મંદિરે પહોંચતા 3-4 કલાકનો સમય લાગે છે.

જોકે સલામતીના કારણોસર જિલ્લા પોલીસ તંત્રએ રાહુલ ગાંધીના પગપાળા પ્રવાસને અત્યંત ગુપ્ત રાખ્યો હતો.

સામાન્ય શ્રદ્ધાળુઓ ભગવાન વેંકટેશ્વરના મંદિરે પહોંચવા માટે આ જ રસ્તે આવતા હોય છે. ભગવાન વેંકટેશ્વરને ભગવાન બાલાજીના નામે પણ બોલાવવામાં આવે છે.

ટેકરીના શિખર ઉપર રહેલું તિરુપતિ બાલાજી મંદિર આખા વિશ્વમાં સૌથી વધારે મુલાકાત લેવાયેલું હિંદુ ધર્મ સ્થાન છે. આ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લાના તિરુમાલા નામના પર્વતીય શહેરમાં આવેલું છે. આ મંદિર ભગવાન વેંકટેશ્વરનું છે, જેમને કળયુગમાં દુઃખ અને મુશ્કેલીઓમાંથી માનવતાને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો અવતાર માનવામાં આવે છે.

તિરુમાલા શબ્દ એ તિરુ અને માલાની સંધિથી બનેલો છે. તિરુ એટલે કે પવિત્ર અથવા પાવન અને માલા એટલે પર્વતશ્રેણી. આથી, તેનો શબ્દાર્થ પવિત્ર પર્વતો તરીકે કરવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]