વડાપ્રધાન મોદીએ ગ્રામ પ્રધાન અને આંગડવાડી વર્કસના કર્યા વખાણ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક વિડીયો કોન્ફરન્સ દ્વારા ગરીબ કલ્યાણ રોજગાર ઝુંબેશની શરુઆત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારત-ચીન મુદ્દે કહ્યું કે, આખો દેશ ભારતીય સેના સાથે છે. વડાપ્રધાને કહ્યું કે, લદ્દાખમાં આપણા વીરોએ જે બલીદાન આપ્યું છે, હું ગૌરવ સાથે એ વાતનો ઉલ્લેખ કરવા માંગું છું કે, આ પરાક્રમ બિહાર રેજિમેન્ટનું છે. દરેક બિહારીને આનું ગર્વ થાય છે. જે સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું છે તેમને હું શ્રદ્ધાંજલી આપું છું. વડાપ્રધાન મોદીએ પ્રવાસીઓને સંબોધિત કરતા કહ્યું કે, કોરોનાનું આવડુ મોટું સંકટ, આખું વિશ્વ જેના સામે હલી ગયું છે પરંતુ આપ અડીખમ ઉભા રહ્યા. ભારતના ગામડાઓમાં તો કોરોનાનો લોકોએ જે પ્રકારે મુકાબલો કર્યો છે તેણે શહેરોને પણ એક મોટી શીખ આપી છે. આ દરમિયાન જે જ્યાં હતું ત્યાં તેને મદદ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમે પોતાના એક શ્રમિક ભાઈ બહેનો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનો પણ ચલાવી. ખરેખર આપ લોકોની સાથે વાત કરીને આપની ઉર્જા પણ આજે અનુભવી રહ્યો છું. આજે આપ તમામ લોકો સાથે વાત કરીને મને રાહત મળી છે અને સંતોષ પણ મળ્યો છે. જ્યારે કોરોના મહામારીનું સંકટ વધવાનું શરુ થયું તો આપ તમામ લોકો ચિંતામાં હતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આટલી મોટી જનસંખ્યાનો કોરોના વાયરસ સામે આટલી સાહસથી મુકાબલો કરતો અને આટલી સફળતાથી મુકાબલો કરવો તે મોટી વાત છે. આ સફળતા પાછળ આપણા ગ્રામિણ ભારતની જાગૃતતાએ કામ કર્યું છે. પરંતુ આમાં પણ જમીની સ્તર પર કામ કરનારા આપણા સાથી, ગ્રામ પ્રધાન, આંગણવાડી વર્કર, આશાવર્કર્સ, જીવિકા દીદી, આ તમામે ખૂબ સારુ કામ કર્યું છે. આ તમામ લોકો પ્રશંસાને પાત્ર છે. વડાપ્રધાને કહ્યું કે, કોઈ તમારી પીઠ થાબડે કે ન થાબડે પરંતુ હું આપનો જયજયકાર કરું છું. આપ લોકોએ હજારો-લાખો લોકોને કોરોના વાયરસથી બચાવવાનું પુણ્ય કર્યું છે. હું આપને નમન કરું છું.