નવી દિલ્હી: દેશભરમાં લાગુ 21 દિવસના લોકડાઉનના હવે અંતિમ તબક્કા શરુ થઈ ગયો છે. આ સ્થિતિમાં દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે, 14 એપ્રિલ પછી લોકડાઉન ખુલશે કે નહીં? સરકાર લોકડાઉન ખોલવા અંગેનો નિર્ણય આ સપ્તાહે લે તેવી શક્યતા છે. જ્યાં કોરોનાના એક પણ કેસ નથી એવા વિસ્તારોમાં સરકાર લોડડાઉન ખોલી શકે છે. સોમવારે કેબિનેટની બેઠકમાં પીએમ મોદીએ ઈશારો કર્યો કે, લોકડાઉન પછી તબક્કાવાર રીતે સરકારી ઓફિસ ખોલી શકે છે. આ સાથે જ વડાપ્રધાને આ મામલે મંત્રીઓને એક પ્લાન તૈયાર કરવા કહ્યું છે.
લોકડાઉનની સૌથી વધુ અસર ખેડૂતો પર પડી છે, જેનો પાકની કાપણી થવાની હતી અથવા તો કાપણી થઈને ખેતરમાં પડી હતી. આ સ્થિતિમાં ખેડૂતો મૂંઝવણમાં છે કે, કરે તો શું કરે? ખેડૂતોની મદદ માટે વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓને ખાસ સલાહ આપી છે. મોદીએ કહ્યુ કે, ટ્રક અગ્રીગેટર્સ જેવા ઈનોવેટિવનો ઉપયોગ કરી ખેડૂતોને માર્કેટ સાથે જોડે.
મોદીએ પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે, કોરોના વિરુદ્ધ લડાઈ લાંબી ચાલવાની છે, દેશે લાંબી લડાઈ લડવા માટે તૈયાર રહેવું પડશે. આપણે લાંબી લડાઈ છતા જીતવાનું છે. વડાપ્રધાને કહ્યું કે, માઈક્રો લેવલ પર પ્લાનિંગ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, લોકડાઉન ખતમ થયા પછી ઉભી થનારી સ્થિતિ અંગે રણનીતિ બનાવવી જરૂરી છે. તેમણે તમામ મંત્રીઓને 10 મોટા નિર્ણયો અને 10 પ્રાથમિકતાવાળા વિસ્તારોની લિસ્ટ તૈયાર કરવા કહ્યું છે જે લોકડાઉન પછી કરવું જરૂરી છે. આ ઉપરાંત તેમણે તમામ વિભાગોને મેક ઈન ઈન્ડિયાને પ્રમોટ કરવાના ઉપાયો શોધવા પણ કહ્યું છે.