વ્લાદિવોસ્તોક- વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે વ્લાદિવોસ્તોક પહોંચ્યા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બુધવારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કુલ 15 MOU( મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. રશિયાના પોર્ટ ટાઉન વ્લાદિવોસ્તકમાં રશિયા અને ભારતના ડેલિગેશન વચ્ચે 20મું રાષ્ટ્રીય સમ્મેલન યોજાયું. રશિયાએ વડાપ્રધાન મોદીને તેમનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રયૂ ધ અપોસ્ટલ’ આપવાની જાહેરાત કરી.
કુલ 15 કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં કુલ 15 એમઓયુ કરવામાં આવ્યાં. જેમાં જમીન, સ્પેસ, એનર્જી, ડિફેન્સ સહિત ઘણા ક્ષેત્રો સામેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે બંને દેશોની વચ્ચે કુલ 15 MOUપર સહી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-2માં રશિયાની જીતને 75 વર્ષ પુર થયા તેની ઉજવણીનું આમંત્રણ આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું
વડાપ્રધાન મોદીએ જૂદા જૂદા ક્ષેત્રોમાં ભારત અને રશિયા વચ્ચે થયેલા સમજૂતીની ચર્ચા કરતા જણાવ્યું કે, આજે અમારી વચ્ચે ડિફેન્સ, ન્યૂક્લિયર એનર્જી, સ્પેસ, બિજનેસ ટુ બિજનેસ સહિત અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડવા માટે સહમતી બની છે. મોદીએ વધુમાં કહ્યું કે, સંરક્ષણ જેવા ક્ષેત્રમાં રશિયન ઉપકરણોના સ્પેર પાર્ટ્સ બંન્ને દેશોના જોઈન્ટ વેન્ચર દ્વારા બનાવવા માટે આજે થયેલી સમજૂતી ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપશે. ભારત અને રશિયા એક મલ્ટિપોલર વિશ્વના મહત્વને સમજે છે. અમે બ્રિક્સ અને એસસીઓ જેવા કેટલાક વૈશ્વિક મંચો પર એકસાથે કામ કરી રહ્યાં છીએ.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે માત્ર રાજધાનીઓ સુધી જ સંબંધો સિમિત નથી. ચેન્નાઈ અને વ્લાદિવોસ્તોક વચ્ચે એક સમુદ્રી રૂટ તૈયાર કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. મોદીએ એમ પણ કહ્યું કે, અમે બંને દેશો કોઈ દેશના આંતરિક મામલામાં દખલગીરી કરવાના વિરોધમાં છીએ. અગામી વર્ષે ભારત-રશિયા મળીને ટાઈગર કન્વર્ઝેશન પર મોટું ફોરમ કરવા સહમત થયાં છે.
LNG સપ્લાઈને લઈને કરાર
ભારતની એચ-એનર્જી ગ્લોબલ લિમિટેડ અને રશિયાની નોવોટેક વચ્ચે ભારત અને અન્ય બજારોમાં એલએનજીની આપૂર્તિ માટે કરાર કર્યા છે. વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે શિખર વાર્તા માટે અંહી પહોંચ્યાના થોડા કલાકો બાદ જ આ કરારની જાહેરાત કરવામાં આવી. કરાર હેઠળ નોવાટેક ભારત, બાંગ્લાદેશ અને અન્ય બજારોમાં એલએનજીના વેચાણ માટે ભવિષ્યનું એલએનજી ટર્મિનલ અને સંયુક્ત સાહસના નિર્માણમાં રોકાણ કરશે.
ભારતની સાથેના સંબધો વિશે શું બોલ્યા રશિયાના રાષ્ટ્રપતિ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું કે અમારા માટે ખુશીની વાત છે કે આજે ભારતના પીએમ રશિયાના પ્રવાસે આવ્યા છે. બંને દેશો વચ્ચે ખૂબ જ સારા સંબધો છે. અમે સતત અમારી દોસ્તીને મજબૂત બનાવી રહ્યાં છીએ. અમે સતત સંપર્કમાં રહીએ છીએ અને બંને દેશો વચ્ચે સતત ઘણી બેઠકો થઈ રહી છે. આ પહેલા ઓસાકામાં થઈ હતી. બંને દેશોના નેતાઓએ ખૂબ જ સારી રીતે વાતચીત કરી રહ્યાં છે. પુતિને કહ્યું કે અગાઉની બેઠકમાં જે અમે નિર્ણયો કર્યા હતા, તેની સમીક્ષ કરી. તેમણે કહ્યું કે અમારી પ્રાથમિક્તા રોકાણ અને વ્યાપાર છે. બંનેના વ્યાપારમાં 17 ટકાનો વધારો થયો છે. મને વિશ્વાસ છે કે બંને દેશો બીજી ઘણી બાબતે આગળ વધશે.
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે સુરક્ષા, વ્યાપાર અને ઉર્જામાં કરાર થયા છે. પુતિને કહ્યું કે અમે ભારતની કંપનીઓનું રશિયામાં સ્વાગત કરવા માંગીએ છીએ. ભારત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને ખૂબ જ સારા સંબધો છે. અમે ભારતમાં મિસાઈલ સિસ્ટમ અને રાયફલ બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે. ભારત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને ખૂબ જ સારા સંબધ છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે આમ બંને દેશોનો ઈતિહાસ ખૂબ જ જૂનો છે. વ્લાદિમીર પુતિને કહ્યું કે વિશ્વના ઘણા મંચો પર ભારત અને રશિયા એક સાથે છે. અમે ભારતને સૌૈથી આધુનિક હથિયાર આપી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગામી વર્ષે ફરી મેમાં રશિયાના પ્રવાસે જશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોદીને વર્લ્ડ વોર-2માં રશિયાની જીતને 75 વર્ષ પુર થયા તેની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.